જૂનાગઢ એસટી ડેપોની વધુ એક બેદરકારી સામે આવી છે. જૂનાગઢથી વિસાવદર રૂટ પર દોડતી એસટી બસના ડ્રાઈવરનો એક વીડિયો સોશિયલ મીડિયામાં જોરશોરથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ડ્રાઈવર ચાલુ બસે બિન્દાસ રીતે મોબાઈલ ફોન પર વાતચીત કરી રહ્યો છે. એક હાથમાં સ્ટીયરિંગ અને બીજા હાથમાં મોબાઈલ રાખીને ડ્રાઈવરે બસ હંકારી હતી, જે મુસાફરોની સુરક્ષા સામે મોટા સવાલ ઉભા કરે છે.


જાગૃત મુસાફરે ઝડપી પાડી બેદરકારી

જ્યારે બસ જૂનાગઢથી વિસાવદર તરફ જઈ રહી હતી, ત્યારે ડ્રાઈવર સતત ફોન પર વ્યસ્ત હતો. બસમાં સવાર એક જાગૃત મુસાફરે આ દ્રશ્ય જોઈને પોતાના મોબાઈલમાં ડ્રાઈવરનો વીડિયો ઉતારી લીધો હતો. આ વીડિયો વાયરલ થતા જ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. હાઈવે પર થતા અકસ્માતોમાં અવારનવાર ડ્રાઈવરની બેદરકારી કારણભૂત હોય છે, ત્યારે આ પ્રકારની ઘટના કોઈ મોટી દુર્ઘટનાને નિમંત્રણ આપી શકી હોત.

એસટી તંત્ર સામે સવાલો

આ વીડિયો વાયરલ થયા બાદ હવે એસટી નિગમ અને ઉચ્ચ અધિકારીઓ સામે લોકો સવાલ ઉઠાવી રહ્યા છે, શું એસટી તંત્ર આ બેજવાબદાર ડ્રાઈવર વિરુદ્ધ સસ્પેન્શન કે દંડની કાર્યવાહી કરશે? મુસાફરોની સુરક્ષા સાથે થતા આવા ચેડાં ક્યાં સુધી સાંખી લેવાશે? શું ડ્રાઈવરોને ફરજ દરમિયાન મોબાઈલના વપરાશ અંગે પૂરતી સમજ આપવામાં આવી છે? એસટી નિગમ દ્વારા હંમેશા 'સલામત સવારી, એસટી અમારી' ના નારા લગાવવામાં આવે છે, પરંતુ આવા કિસ્સાઓ આ નારા પર પ્રશ્નાર્થ ચિહ્ન મૂકે છે. 

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: