જૂનાગઢ શહેરમાં ધુળેટીના પવિત્ર તહેવારની મોડી સાંજે જાહેર માર્ગ પર ભારે હોબાળો મચ્યો હતો. રાજકોટથી જૂનાગઢ ફરવા આવેલા એક દંપતી અને સ્થાનિક શખ્સો વચ્ચે નજીવી બાબતે વિવાદ સર્જાયો હતો, જેણે જોતજોતામાં મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ સમગ્ર ઘટનાના દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચકચાર મચી ગઈ છે.


જાહેરમાં તોડફોડ અને દાદાગીરી

માથાકૂટ દરમિયાન એક યુવાન જાહેરમાં દાદાગીરી કરતો નજરે પડ્યો હતો. ઉશ્કેરાયેલા યુવાને આવેશમાં આવીને કારના કાચ તોડી નાખ્યા હતા, જેના કારણે રસ્તા પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. વિવાદ વધતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો, પરંતુ ત્યાં પણ શાંતિ જળવાઈ નહોતી. પોલીસ સ્ટેશનના સંકુલમાં જ મહિલા સાથે આવેલા લોકોએ તોડફોડ કરનાર યુવાનને ફટકાર્યો હોવાની વિગતો પણ સામે આવી છે.

સામસામે પોલીસ ફરિયાદ

આ હિંસક અથડામણ બાદ જૂનાગઢ પોલીસે બંને પક્ષોની રજૂઆતો સાંભળી છે. ઘટનાની ગંભીરતા જોતા પોલીસે સામસામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જાહેર રોડ પર શાંતિ ભંગ કરનાર અને કાયદો હાથમાં લેનાર તત્વો વિરુદ્ધ પોલીસે કડક વલણ અપનાવ્યું છે. તહેવારના દિવસે જ પ્રવાસી દંપતી સાથે થયેલી આ માથાકૂટ અને પોલીસ મથકે થયેલી મારામારીએ શહેરની કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉભા કર્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: