જૂનાગઢ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા તાજેતરમાં ખાનગી હોસ્પિટલમાં ઇન્સ્પેકશન કરવામાં આવ્યું હતું, દરમ્યાન એક ખાનગી હોસ્પિટલ દ્વારા સગર્ભા મહિલાઓના ફોર્મ એફ ભર્યું ન હોય તેમજ રજીસ્ટરમાં નોંધ ન કરેલી હોવાનું સામે આવતા કારણદર્શક નોટિસ આપવામાં આવી હતી અને જિલ્લા એડવાઈઝર કમિટી દ્વારા કાયદાના ભંગ બદલ ઠેસિયા મેટરનીટી અને ગાયનેક હોસ્પિટલ જૂનાગઢનું પીએનડીટી નોંધણી બે મહિના માટે સસ્પેન્ડ કરીને સોનોગ્રાફી મશીન સીલ કરવામાં આવ્યું છે.


જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા હોસ્પિટલમાં ચેકિંગ થતા ક્ષતિઓ ખુલી

જૂનાગઢ જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા જણાવ્યું કે શહેરમાં ચાલી રહેલી ખાનગી હોસ્પિટલમાં ગેરરીતી થતી હોવાની આશંકાએ ટીમનું નિર્માણ કરી અને તપાસ માટે આદેશ કર્યા હતા. દરમ્યાન જૂનાગઢની ઠેસિયા મેટરનીટી અને ગાયનેક સર્જીકલ હોસ્પિટલમાં ઇન્સ્પેકશનની કામગીરી કરવામાં આવી હતી જેમાં સોનોગ્રાફી કરેલ માતાના ફોર્મ એફ ભરવામાં કે રજીસ્ટરમાં એન્ટ્રી કરવામાં આવતી ન હોવાનું ધ્યાને આવ્યું હતું, જેથી પીસી એન્ડ પીએનડીટી કાયદાની કલમ -૪(૩), ૨૯, નિયમ –૯(૧),૯(૪) અને ૧૦(૧)(A) નો ભંગ કરવામાં આવતા કલમ -૨૦(૧) હેઠળ તારીખ ૨૬ નવેમ્બરે કારણદર્શક નોટિસ આપવામાં આવી હતી,

ફોર્મ F ન ભરતા સોનોગ્રાફી મશીન પણ સીલ કરાયું, કોર્ટમાં કેસ કરાશે

જેથી હોસ્પિટલ દ્વારા નોટિસનો ખુલાસો ૩ ડીસેમ્બરે રજુ કર્યો હતો, જે ખુલાસો પીએનડીટી કાયદાની કલમ- ૧૭(૫)(૬) દ્વારા રચાયેલ પીએનડીટી જિલ્લા એડવાઈઝરી કમિટીમાં ૪ ડિસેમ્બરની મીટીંગમાં ધ્યાને મુકવામાં આવ્યો હતો, પરંતુ કાયદાના ભંગ બદલ કમિટી દ્વારા ખુલાસો ગ્રાહ્ય ન રાખવામાં આવતા ઠેસિયા મેટરનીટી અને ગાયનેક હોસ્પિટલ જૂનાગઢનું પીએનડીટી નોંધણી બે માસ માટે સસ્પેન્ડ કરવામાં આવી છે અને સાથે જ સોનોગ્રાફી મશીન પણ સીલ કરવામાં આવ્યું હતું અને આગળ કોર્ટ કેસની કાર્યવાહી કરવા માટે નિર્ણય લેવામાં આવ્યો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: