મહેસાણા જિલ્લાના કડીમાં વાલીઓ માટે ચેતવણીરૂપ એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કડીમાં એક 7 વર્ષનો માસૂમ બાળક રમતા-રમતા આખી પેન્સિલ ગળી ગયો હતો. ગંભીર હાલતમાં બાળકને હોસ્પિટલ ખસેડવામાં આવતા તબીબોએ સફળ ઓપરેશન કરી બાળકના પાચન તંત્રમાંથી પેન્સિલ બહાર કાઢી નવજીવન આપ્યું છે.


રમતા-રમતા સર્જાયો ગંભીર અકસ્માત

ઘટનાની મળતી માહિતી અનુસાર, કડીમાં રહેતો 7 વર્ષનો બાળક ઘરે પેન્સિલ સાથે રમી રહ્યો હતો. આ દરમિયાન અચાનક પેન્સિલ તેના મોઢામાં જતી રહી હતી અને જોતજોતામાં બાળક 5 સેમી લાંબી પેન્સિલ ગળી ગયો હતો. બાળકને ગભરામણ અને તકલીફ થતા પરિવારજનો તાત્કાલિક હરકતમાં આવ્યા હતા અને તેને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતા.

પાચનતંત્રમાં અટવાઈ હતી 5 સેમી લાંબી પેન્સિલ

હોસ્પિટલમાં એક્સ-રે અને તપાસ દરમિયાન તબીબો પણ ચોંકી ઉઠ્યા હતા. બાળકે ગળેલી 5 સેમી લાંબી પેન્સિલ તેના પાચન તંત્રમાં ગંભીર રીતે અટવાઈ ગઈ હતી. જો થોડો પણ વિલંબ થયો હોત તો બાળકના આંતરડા અથવા પાચનમાર્ગમાં ગંભીર ઈજા કે ઈન્ફેક્શન થવાનું જોખમ હતું.

તબીબોએ સફળ ઓપરેશન કરી જીવ બચાવ્યો

સ્થિતિની ગંભીરતાને જોતા તબીબોની ટીમે તાત્કાલિક ઓપરેશન કરવાનો નિર્ણય લીધો હતો. કલાકોની મહેનત બાદ સફળ સર્જરી દ્વારા બાળકના પેટમાંથી પેન્સિલ સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી છે. હાલમાં બાળકની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. આ કિસ્સાએ નાના બાળકોના વાલીઓને ફરી એકવાર સાવધ રહેવા અને બાળકો પર સતત નજર રાખવા માટે મજબૂર કર્યા છે.


આ પણ વાંચો - Junagadh-ચલાલા વચ્ચે નવી સ્પેશિયલ ટ્રેન સેવાનો પ્રારંભ, સાત સ્ટેશનો પર કરશે રોકાણ


  • Follow us on: