ખેડા જિલ્લાના યાત્રાધામ ડાકોરમાં આજે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ડાકોર શહેરના ગોપાલપુરા વિસ્તારમાં તારાંબાઈ બાગ પાસે એક જૂના જર્જરિત મકાનને ઉતારવાની કામગીરી દરમિયાન અચાનક મકાનનો એક ભાગ ધરાશાયી થયો હતો. આ દુર્ઘટનામાં કામ કરી રહેલા 32 વર્ષીય શ્રમિકનું કાટમાળ નીચે દબાઈ જવાથી ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે.
પરિવારનો મોભી છીનવાયો
મૃતકની ઓળખ ભગત જિન વિસ્તારમાં રહેતા અમિતભાઈ શનાભાઈ મહિડા તરીકે થઈ છે. અમિતભાઈ છૂટક મજૂરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમનું અકાળે અવસાન થવાને કારણે બે માસૂમ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે, જેને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
સેફ્ટીના અભાવે લેવાયો ભોગ?
સ્થાનિકોના આક્ષેપ અનુસાર, કોન્ટ્રાક્ટર દ્વારા કોઈપણ પ્રકારના સુરક્ષાના સાધનો વગર શ્રમિકો પાસે જોખમી કામ કરાવવામાં આવતું હતું. જર્જરિત મકાન ઉતારતી વખતે હેલ્મેટ કે અન્ય સુરક્ષા કવચ હોવું અનિવાર્ય છે, પરંતુ અહીં નિયમોનું સરેઆમ ઉલ્લંઘન જોવા મળ્યું હતું. અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોની સુરક્ષા સામે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે.
તંત્ર સામે લોકોમાં આક્રોશ
ઘટનાને પગલે સ્થાનિકોમાં ભારે આક્રોષ ફેલાયો છે. લોકો દ્વારા માગ કરવામાં આવી છે કે, બેદરકાર કોન્ટ્રાક્ટર અને જવાબદાર તંત્ર વિરુદ્ધ કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. શ્રમિકના પરિવારને વળતર મળે અને ભવિષ્યમાં આવી બેદરકારી ન દાખવવામાં આવે તે માટે તંત્ર જાગે તે જરૂરી છે.
આ પણ વાંચો - Kheda News : ખુદ સસ્પેન્ડ થયા પણ સત્તાનો મોહ ન છૂટ્યો, બામરોલી ગામે પૂર્વ અને કાર્યકારી સરપંચ વચ્ચે ખૂની ખેલ