ગુજરાત સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટમાં ખેતી અને પશુપાલન ક્ષેત્ર માટે કરવામાં આવેલી માતબર જોગવાઈઓએ ખેડા જિલ્લાના નડિયાદ પંથકમાં ખુશીની લહેર પ્રસરાવી દીધી છે. ખેડૂત કલ્યાણ માટે કુલ રૂ.24,022 કરોડની ઐતિહાસિક જોગવાઈ કરવામાં આવતા, સ્થાનિક ખેડૂતોમાં આર્થિક ઉન્નતિની નવી આશા જન્મી છે. ખાસ કરીને માવઠા જેવી કુદરતી આફત સમયે રૂ.1 લાખ સુધીની આર્થિક સહાયની જોગવાઈને ખેડૂતોએ 'સંજીવની' સમાન ગણાવી છે, જેનાથી કમોસમી વરસાદને કારણે થતા નુકસાન સામે સુરક્ષા મળશે.
પશુ દવાખાના માટે 56 કરોડની જોગવાઈ
પશુપાલન ક્ષેત્રે કરવામાં આવેલી જાહેરાતોથી નડિયાદ અને આસપાસના પશુપાલકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ફરતા પશુ દવાખાના માટે રૂ.56 કરોડ અને પશુકલ્યાણ સહાય સમિતિ માટે રૂ.34 કરોડની ફાળવણી થવાથી પશુઓની આરોગ્ય સુવિધાઓ વધુ સુદ્રઢ બનશે. વધુમાં, મોટા દુધાળા પશુ ફાર્મ માટે રૂ.32 કરોડની જોગવાઈ અને દૂધ ઉત્પાદક મંડળીઓને મજબૂત બનાવવા પર મૂકવામાં આવેલો ભાર ગ્રામીણ અર્થતંત્રને નવી ઊંચાઈ પર લઈ જશે.













