ખેડા જિલ્લાના વસોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉભા કરતો એક સનસનાટીભર્યો વિડિયો વાયરલ થયો છે. આ વિડિયોમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે, વસોમાં એક મોટું જુગારધામ ધમધમી રહ્યું છે, અને ચોંકાવનારી બાબત એ છે કે આ ગેરકાયદે પ્રવૃત્તિ વસો પોલીસ સ્ટેશનથી માત્ર 300 થી 500 મીટરના નજીવા અંતરે ચાલી રહી છે.
જુગારધામનો મુખ્ય સંચાલક કાંતિભાઈ શંકરભાઈ વણકર
પ્રાપ્ત માહિતી થતી વિગતો અનુસાર, વસોના વેરાઈ ભાગોળ વિસ્તારમાં, પશુ દવાખાનાની બિલકુલ નજીક, મોટું જુગારધામ ચાલી રહ્યું છે. આ જુગારધામનો મુખ્ય સંચાલક કાંતિભાઈ શંકરભાઈ વણકર હોવાનું બહાર આવ્યું છે. માત્ર જુગાર જ નહીં, પરંતુ સરકારી દવાખાનાની બહાર ગલ્લામાં વરલી મટકાના આંકડા પણ મોટા પાયે લખવામાં આવી રહ્યા છે.
કોઈ કાર્યવાહી ન થતાં લોકોમાં રોષ
સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, પોલીસ સ્ટેશનની એકદમ નાક નીચે આ ગેરકાયદેસર પ્રવૃત્તિ છેલ્લા એક વર્ષથી પણ વધુ સમયથી બેરોકટોક ચાલી રહી છે! આટલા લાંબા સમયથી જુગારધામ ચાલતું હોવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ સાથે સ્થાનિકો પોલીસ પર લાંચ લઈને આ જુગારધામ પોતાની રહેમ નજર હેઠળ ચલાવતા હોવાનો આરોપ પણ કરે છે.
પોલીસની કામગીરી પર મોટું પ્રશ્નચિહ્ન
હવે સ્થાનિક લોકો દ્વારા સવાલ કરવામાં આવ્યો કે, શું વસોના પીઆઈ સોનલ ચાવડા અને તેમના વહીવટદાર મિતેશ રબારીની રહેમનજર હેઠળ આ જુગાર અને આંકડાનો ગેરકાયદેસર ધંધો ચાલી રહ્યો છે? વાયરલ થયેલા વિડિયોએ વસો પોલીસની કામગીરી પર મોટું પ્રશ્નચિહ્ન મૂક્યું છે. આ મામલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ તાત્કાલિક દરમિયાનગીરી કરે અને કાયદો તોડનારાઓ તેમજ કથિત રીતે આંખ આડા કાન કરનારા પોલીસકર્મીઓ સામે કડક કાર્યવાહી કરે, તેવી લોકમાગ ઉઠી છે. આ વીડિયો વાયરલ થયા બાદ હવે વસો પોલીસ ક્યારે અને કેવા પગલાં લે છે તેના પર સૌની નજર ટકેલી છે.
આ પણ વાંચો - Kutch News: ભુજીયા ડુંગરની તળેટીમાંથી મળ્યો યુવાનનો મૃતદેહ