ખેડા જિલ્લાના નડિયાદ અને આસપાસના વિસ્તારોમાં ધાર્મિક સ્થળોને નિશાન બનાવતી ચોર ગેંગને પકડવામાં પોલીસને સફળતા મળી છે. ખેડા એલ.સી.બી. અને નડિયાદ ટાઉન પોલીસે માત્ર ગણતરીના કલાકોમાં મોટા કુંભનાથ મહાદેવ મંદિર અને સલુણના અંબે માતાજી મંદિરની ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો છે.
પોલીસે 12 ગુનાઓમાં સંડોવાયેલા રીઢા ગુનેગાર વિનોદને ઝડપ્યો
મળતી માહિતી અનુસાર, પોલીસે 12 ગુનાઓમાં સંડોવાયેલા રીઢા ગુનેગાર વિનોદ ઉર્ફે વિનુ મનુભાઈ તળપદાને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે. ગત 14 જાન્યુઆરીના રોજ મોટા કુંભનાથ મહાદેવ મંદિરના ગર્ભગૃહના તાળા તોડીને ચોરી થવાથી શ્રદ્ધાળુઓમાં ભારે રોષ ફેલાયો હતો. આ ગંભીર ઘટનાને પગલે જિલ્લા પોલીસ વડાની સૂચનાથી 7 ટીમો બનાવાઈ હતી.
પોલિસે 150થી વધુ CCTV ફૂટેજ ચેક કર્યા
પોલિસે 150થી વધુ CCTV ફૂટેજ અને ટેકનિકલ ડેટાની તપાસ કર્યા પછી બાતમી મળી કે વિનોદ તળપદા ચોરીના મુદ્દામાલ સાથે સલુણથી નડિયાદ તરફ આવી રહ્યો છે. પોલીસે વોચ ગોઠવીને તેને કોર્ડન કરીને ઝડપી પાડ્યો.
તેણે જ બંને મંદિરોમાં ચોરી કરી હતી
પોલીસની પૂછપરછમાં વિનોદ તળપદાએ કબૂલાત કરી હતી કે તેણે જ બંને મંદિરોમાં ચોરી કરી હતી. પોલીસે આરોપી પાસેથી અંદાજે 13 કિલો ચાંદી અને સોનાના ઘરેણાં રિકવર કર્યા છે. ઉપરાંત, તેણે 12 જાન્યુઆરીએ નડિયાદ ટાઉનમાંથી ચોરેલી સફેદ એક્ટિવા પણ કબજે કરવામાં આવી છે. કુલ રિકવરીની કિંમત આશરે રૂ. 1.90 લાખથી વધુ છે.
આ પણ વાંચો------ Valsad News: જિલ્લામાં એક માસમાં 14 પુરૂષ નસબંધીના ઓપરેશન કરાયા