કચ્છ જિલ્લાના ગાંધીધામ સ્થિત કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (KASEZ) માં આજે એક ગારમેન્ટ કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે, તેના ધુમાડાના કાળા ગોટેગોટા કિલોમીટરો દૂર સુધી દેખાતા હતા.


ઘટનાની વિગત

ઘટનાની મળતી માહિતી અનુસાર, કાસેઝમાં આવેલી એક જાણીતી ગારમેન્ટ કંપનીના યુનિટમાં અચાનક આગ લાગી હતી. કપડાંનો જથ્થો હોવાને કારણે આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ઘટના સમયે કંપનીમાં કામદારો હાજર હોવાથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, જોકે તંત્ર દ્વારા તાત્કાલિક વિસ્તાર ખાલી કરાવીને જાનહાનિ ટાળવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.

ફાયર બ્રિગેડની કામગીરી

આગની જાણ થતા જ કંડલા પોર્ટ ટ્રસ્ટ અને ગાંધીધામ નગરપાલિકાના ફાયર ફાઈટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આગને કાબુમાં લેવા માટે મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો અને અનેક ગાડીઓ દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. પવનની ગતિને કારણે આગ વધુ ન પ્રસરે તે માટે ફાયરની ટીમો સતત કાર્યરત છે.

તંત્રની મુંઝવણ

હાલમાં કાસેઝ પ્રશાસન અને સ્થાનિક સત્તાધીશો ચોક્કસ કઈ કંપનીમાં અને કયા કારણોસર આગ લાગી છે, તેની સત્તાવાર વિગતો આપવા માટે અસમર્થ જણાઈ રહ્યા છે. પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, પરંતુ તપાસ બાદ જ સાચું કારણ બહાર આવશે. અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ મોટાપાયે માલ-સામાન બળીને ખાખ થઈ જતા લાખો રૂપિયાનું નુકસાન થવાની ભીતિ છે.


આ પણ વાંચો - Kachchh: કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછત વચ્ચે ધંધાર્થીઓ કોલસાની સગડી તરફ વળ્યા


  • Follow us on: