રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે કચ્છના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. સરહદી જિલ્લા કચ્છના મુખ્ય મથક ભુજ અને તેની આસપાસના વિસ્તારોમાં આજે કમોસમી વરસાદી ઝાપટાં થયા હતા. ખાસ કરીને અજરખપુર અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડતા લોકોમાં આશ્ચર્ય ફેલાયું હતું.


વાતાવરણમાં પ્રસરી ઠંડક

છેલ્લા કેટલાય દિવસોથી પડી રહેલી અસહ્ય ગરમી અને બફારા બાદ અચાનક આભ ફાટતા અને કરા પડતા વાતાવરણમાં એકાએક ઠંડક પ્રસરી ગઈ હતી. કમોસમી વરસાદને કારણે તાપમાનનો પારો ગગડ્યો છે, જેનાથી ગરમીથી અકળાયેલા લોકોને કામચલાઉ રાહત મળી છે.

ખેડૂતોમાં ચિંતાનો માહોલ

એક તરફ ગરમીમાં રાહત મળી છે, તો બીજી તરફ આ કમોસમી વરસાદ અને કરા પડવાને કારણે ખેતીના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. કરા સાથેના વરસાદને લીધે ઉભા પાક પર માઠી અસર પડી શકે છે, જેને લઈને ધરતીપુત્રોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.




સ્થાનિક લોકોએ જણાવી આંખોદેખી

સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, વહેલી બપોર બાદ અચાનક આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા અને જોતજોતામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો. અજરખપુર પાસે મોટા કદના કરા પડતા રસ્તાઓ પર સફેદ ચાદર જેવો નજારો જોવા મળ્યો હતો.


આ પણ વાંચો - Kutch News: ભુજમાં પેટ્રોલ-ડીઝલની અછત, બે પંપો થયા બંધ


  • Follow us on: