કચ્છના મુખ્ય મથક ભુજમાં છેલ્લા કેટલાક સમયથી પેટ્રોલ અને ડીઝલની અચાનક અછત સર્જાતા વાહનચાલકોમાં ભારે હાલાકી જોવા મળી રહી છે. ખાસ કરીને મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધની અસરો હવે સ્થાનિક સ્તરે ઈંધણ પુરવઠા પર પડતી હોય તેવું જણાઈ રહ્યું છે. ભુજના સ્ટેશન રોડ પર આવેલા બે મુખ્ય પેટ્રોલ પંપો ઈંધણ ખૂટી પડવાને કારણે બંધ કરી દેવાની ફરજ પડી છે.


પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી લાઈનો

સ્ટેશન રોડ પરના પંપો બંધ થતાં તેની સીધી અસર શહેરના અન્ય વિસ્તારોમાં આવેલા પેટ્રોલ પંપો પર જોવા મળી રહી છે. અન્ય પંપો પર વહેલી સવારથી જ વાહનચાલકોની લાંબી લાઈનો લાગી છે. ટુ-વ્હીલરથી લઈને ફોર-વ્હીલર ચાલકો કલાકો સુધી લાઈનમાં ઉભા રહીને પેટ્રોલ ભરાવી રહ્યા છે. ઘણા કિસ્સામાં મર્યાદિત જથ્થામાં ઈંધણ આપવામાં આવતું હોવાથી લોકોમાં રોષની લાગણી પણ જોવા મળી છે.

યુદ્ધની અસર અને અછતનું કારણ

સૂત્રોના જણાવ્યા અનુસાર, મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે સપ્લાય ચેઈન ખોરવાઈ છે, જેના કારણે ઈંધણની આવકમાં ઘટાડો થયો છે. ભુજમાં અચાનક પંપો બંધ થવાના સમાચાર વાયુવેગે પ્રસરતા લોકોમાં ગભરાટ જોવા મળ્યો હતો, જેના કારણે ચાલુ પંપો પર પણ ભીડ બેકાબૂ બની હતી.

હાલમાં તંત્ર અને પેટ્રોલ પંપ એસોસિએશન દ્વારા પરિસ્થિતિને થાળે પાડવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ જ્યાં સુધી નવો જથ્થો ઉપલબ્ધ નહીં થાય ત્યાં સુધી આ સમસ્યા યથાવત રહેવાની શક્યતા છે.


આ પણ વાંચો - Kutch News: પેટ્રોલ-ડીઝલની અછતની અફવાએ મચાવી દોડધામ, ગાંધીધામમાં રોટરી સર્કલ પાસે વાહનોની લાંબી કતારો


  • Follow us on: