કચ્છના મુન્દ્રા વિસ્તારની એક સોસાયટીમાં નશામાં ચૂર એક પોલીસકર્મીએ ભારે આતંક મચાવ્યો હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. આ પોલીસકર્મી દારૂ ભરેલી કાર લઈને જઈ રહ્યો હતો ત્યારે સોસાયટીમાં અકસ્માત સર્જ્યો હતો. અકસ્માત બાદ પોતાની ભૂલ સ્વીકારવાને બદલે વર્દીના નશામાં ધુત આ શખ્સે કાયદો હાથમાં લઈ સ્થાનિક રહીશો સાથે જાહેરમાં મારામારી કરી હતી. આ સમગ્ર શરમજનક ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે.
દારૂ ભરેલી કારથી સર્જ્યો અકસ્માત
અકસ્માત સર્જનાર પોલીસકર્મીની કારમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. નશાની હાલતમાં રહેલા પોલીસકર્મી અને તેની સાથેના શખ્સોએ સ્થાનિક લોકો સાથે ઉગ્ર બોલાચાલી કરી હાથાપાઈ કરી હતી. સ્થાનિકોનો આક્ષેપ છે કે પોલીસ વિભાગના જ માણસ હોવાને કારણે શરૂઆતમાં આ સમગ્ર મામલાને દબાવી દેવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા, જેના કારણે ખાખીની છબી ખરડાઈ છે.













