કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના આધોઈ વિસ્તારમાં કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે, જ્યાં એક સગીરા પર છ નરાધમોએ સામૂહિક બળાત્કાર ગુજાર્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, આરોપીઓએ પ્રથમ સગીરાનું અપહરણ કર્યું હતું અને ત્યારબાદ નિર્જન સ્થળે લઈ જઈ તેના પર હેવાનિયત આચરી હતી. આ ચકચારી ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે રોષ અને શોકની લાગણી ફેલાઈ છે. ભોગ બનનાર સગીરાના પરિવારે સામખિયાળી પોલીસ મથકે હિંમતપૂર્વક પહોંચીને છ શખ્સો વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધાવી છે.
પોલીસ એક્શન મોડમાં
ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને કચ્છ પોલીસ દ્વારા તાત્કાલિક અલગ-અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો હતો. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા ત્રણ મુખ્ય આરોપીઓ - સવા, દીપક અને રણજિતની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જોકે, આ ગેંગરેપમાં સામેલ અન્ય ત્રણ આરોપીઓ હજુ પણ પોલીસ પકડથી દૂર છે, જેમને પકડવા માટે પોલીસે સંભવિત ઠેકાણાઓ પર દરોડા પાડવાનું શરૂ કર્યું છે. પોલીસે સગીરાને તબીબી પરીક્ષણ માટે મોકલી આપી છે અને કડક કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓને સખત સજા થાય તે દિશામાં તપાસ આગળ વધારી છે.













