જૂનાગઢ જિલ્લાના કેશોદમાં મતદાર યાદી સુધારણા (SIR) પ્રક્રિયા દરમિયાન આશરે 4,500 જેટલા મતદારોના નામ કમી કરવા માટેની અરજીઓ કરવામાં આવતા ભારે હોબાળો મચ્યો છે. કેશોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભરત લાડાણીએ આ મામલે મોટો ધડાકો કરતા જણાવ્યું છે કે, સત્તાધારી પક્ષ દ્વારા રાજકીય ફાયદો મેળવવા માટે ચોક્કસ મતદારોના નામ યાદીમાંથી હટાવવાનું કાવતરું ઘડવામાં આવ્યું છે. આક્ષેપ કરવામાં આવ્યો છે કે ભાજપના પૂર્વ શહેર પ્રમુખ અને એક મંત્રી આ સમગ્ર પ્રક્રિયામાં સંડોવાયેલા છે અને કોઈ પણ પ્રકારની ચકાસણી કે નોટિસ વગર સામૂહિક રીતે નામ કમી કરવાના ફોર્મ રજૂ કરવામાં આવ્યા છે.


લોકશાહીની હત્યાનો પ્રયાસ?

આ વિવાદમાં નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે ભરત લાડાણીએ CCTV ફૂટેજ જાહેર કર્યા, જેમાં કથિત રીતે ભાજપના પૂર્વ પ્રમુખ ફોર્મ રજૂ કરતા જોવા મળી રહ્યા છે. કોંગ્રેસનો આરોપ છે કે સામાન્ય રીતે મતદાર પોતે અથવા તેના પરિવારના સભ્યો ફોર્મ નંબર 7 ભરે છે, પરંતુ અહીં હજારોની સંખ્યામાં અરજીઓ કરીને ગેરરીતિ આચરવામાં આવી રહી છે. આ મુદ્દાને કારણે કેશોદના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે અને કોંગ્રેસે આ મામલે ચૂંટણી પંચ તેમજ ઉચ્ચ સત્તાવાળાઓ સમક્ષ તપાસની માંગ કરી છે. જો આ અન્યાયી રીતે નામ કમી કરવામાં આવશે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપવામાં આવી છે.

આ પણ વાંચો : Rajkot News : મંગળા રોડ ફાયરિંગ કેસના મુખ્ય આરોપી સંજલાની ધરપકડ, સ્ત્રી વેશમાં છુપાઈને ફરતો હતો

  • Follow us on: