જૂનાગઢના મોતીબાગ પાસે આવેલી પટેલ કેળવણી મંડળ સંચાલિત હોસ્ટેલમાં દીકરીઓની સુરક્ષાને લઈને વાલીઓ મેદાનમાં ઊતર્યા છે.સંસ્થામાં કોઈ અજાણ્યા તત્વો ઘૂસી ગયા હોવાની જાણ થતા વાલીઓ સતર્ક બન્યા હતા.વાલીઓએ એક આવારા તત્વને પકડીને પોલીસને હવાલે કર્યો હતો.જોકે,આ ગંભીર બાબતે જ્યારે વાલીઓ સંસ્થાના ટ્રસ્ટીઓ પાસે રજૂઆત કરવા પહોંચ્યા,ત્યારે ઉકેલ લાવવાને બદલે ટ્રસ્ટીઓએ અસભ્ય વર્તન શરૂ કર્યું હતું.વાલીઓનો આરોપ છે કે પ્રમુખ કાંતિભાઈ ફળદુ અને અન્ય સ્ટાફે તેમને ગાળો ભાંડી હતી અને અપમાનિત કરીને કાઢી મૂક્યા હતા.
હોસ્ટેલમાં હાલ માત્ર 600ની આજુબાજુ સંખ્યા થઈ ગઈ
ટ્રસ્ટી દ્વારા કરવામાં આવેલા અસભ્ય વર્તનને લઈને વાલીઓમાં રોષ ફાટી નીકળ્યો છે અને આ સંસ્થા છેવાડાના માનવી અને સામાન્ય ખેડૂતોના ફાળાથી ઉભી થઈ છે. ટ્રસ્ટીઓ અત્યારે સત્તાના નશામાં ચૂર થઈને તેને પોતાની અંગત મિલકત સમજી રહ્યા છે.વાલીઓએ સવાલ ઉઠાવ્યો છે કે જો હોસ્ટેલમાં દીકરીઓ સુરક્ષિત નથી અને ટ્રસ્ટીઓ જ દાદાગીરી કરતા હોય તો આવી સંસ્થાનું શું કામ?. પોતાના સમાજની સંસ્થામાં દીકરીઓની સુરક્ષા નથી અને તેના ટ્રસ્ટીઓ સંસ્થાને પોતાની જાગીર માની રહ્યા હોય તો આવા લોકોને સંસ્થામાંથી દૂર કરવા જોઈએ અને ખૂબ સારી આ સંસ્થાને ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવતા વર્તનને કારણે એક સમયે 2000 કરતા વધુ સંખ્યા ધરાવતી આ હોસ્ટેલમાં હાલ માત્ર 600ની આજુબાજુ સંખ્યા થઈ ગઈ છે.













