કચ્છ યુનિવર્સિટીનાં ૧૦ પીએચ.ડી.વિદ્યાર્થીઓને ગુજરાત સરકારનાં શિક્ષણ વિભાગ દ્વારા કાર્યરત SHODH સ્કીમ ઓફ ડેવલોપિંગ હાઇ ક્વોલિટી રિસર્ચ યોજના હેઠળ સંશોધન માટે મહત્ત્વપૂર્ણ સહાય મંજૂર કરવામાં આવી છે. કચ્છ યુનિ.ના રિસર્ચ અને ડેવલપમેન્ટ વિભાગનાં વડા તથા SHODH યોજનાનાં નોડલ ઓફ્સિર ડૉ. ગૌરવ ચૌહાણ દ્વારા વિદ્યાર્થીઓને યોજનાનાં નિયમો અને અરજી પ્રક્રિયા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ખાસ કેમ્પસ પરામર્શ યોજવામાં આવ્યો
ટેકનિકલ ભૂલોને કારણે કોઈ અરજી રદ ન થાય તે હેતુથી ખાસ કેમ્પસ પરામર્શ યોજવામાં આવ્યો હતો, જેમાં રિસર્ચ ફેસિલિટેટર ડૉ.દ્રુમા વૈદ્ય અને વહીવટી કર્મચારી સુમનબેન દ્વારા સહયોગ પૂરો પાડવામાં આવ્યો હતો. કચ્છ યુનિ.માંથી ૧૪ વિદ્યાર્થીઓએ અરજી કરી હતી.નોલેજ કોન્સોર્ટિયમ ઓફ્ ગુજરાત (KCG)-અમદાવાદ દ્વારા બુધવારે પ્રસિદ્ધ કરાયેલી યાદી મુજબ ગુજરાતભરમાંથી ૯૬૭ અરજીઓ પૈકી ૭૫૩ વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી, જેમાં કચ્છ યુનિવર્સિટીનાં ૧૦ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.વધુમાં ડૉ.ગૌરવ ચૌહાણે ઉમેર્યું હતું કે, ચાલુ વર્ષે ૨૦૦થી વધુ નવા વિદ્યાર્થીઓ પીએચડીમાં જોડાયા છે.
લાભ યુનિવર્સિટીના શૈક્ષણિક અને સંશોધન કાર્યને મળશે
આગામી સમયમાં પણ રિસર્ચ અને ડેવલપમેન્ટ વિભાગ દ્વારા આ તમામ વિદ્યાર્થીઓને વિવિધ ફોલોશિપ અને સ્કોલરશિપની માહિતી તેમજ અરજી પ્રક્રિયા માટે સંપૂર્ણ સહયોગ આપવામાં આવશે. જેથી યુનિવર્સિટીનું NAAC, NIRF અને GSIRF જેવા રેન્કિંગમાં સ્થાન વધુ સુદૃઢ બને.કચ્છ યુનિવર્સિટીનાં કુલપતિ ડૉ. મોહન પટેલ અને કુલસચિવ ડૉ. અનિલ ગોરે જણાવ્યું હતું કે, આ આર્થિક સહાયથી વિદ્યાર્થીઓ કોઈ પણ પ્રકારના આર્થિક ભારણ વિના ઉચ્ચ ગુણવત્તાયુક્ત સંશોધન કરી શકશે, જેનો લાભ યુનિવર્સિટીના શૈક્ષણિક અને સંશોધન કાર્યને મળશે.
અત્યાર સુધીમાં ૬૫ વિદ્યાર્થીઓને યોજાનાનો લાભ મળ્યો
ગુજરાત સરકાર દ્વારા ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે ગુણવત્તાયુક્ત સંશોધનને પ્રોત્સાહન આપવા માટે SHODH યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ પસંદ થયેલા વિદ્યાર્થીઓને માસિક રૂ. ૧૫ હજારનું સ્ટાઈપેન્ડ અને અન્ય આનુષંગિક ખર્ચ માટે વાર્ષિક રૂ. ૨૦ હજારની સહાય મહતમ બે વર્ષ માટે આપવામાં આવે છે. કચ્છ યુનિવર્સિટીમાં ૨૦૧૯થી ૨૦૨૪ દરમિયાન અત્યાર સુધીમાં ૬૫ વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ મેળવી ચૂક્યા છે.
ચાલુ વર્ષે યોજનામાં સમાવેશ થયેલા દસ વિદ્યાર્થીઓ
કચ્છ યુનિવર્સિટીનાં જે ૧૦ વિદ્યાર્થીઓનો શોધ યોજનામાં સમાવેશ કરવામાં આવ્યો તેમાં ભીમાની નિરુપમા દિનેશભાઈ ( લાઈફ્ સાયન્સ), ચુડાસમા વિશ્વજિત પ્રદ્યુમનસિંહ ( અંગ્રેજી ), હઝારિકા અમ્બોરીસ ગજેન ( જિયોલોજી ), કાંઠેચા જીમીબેન નટવરલાલ ( અંગ્રેજી ) ,ખલીફ સાહિસ્તા સલીમ ( એજ્યુકેશન ), મોટા સાગર કીર્તિકુમાર ( લો-કાયદો), શેઠ દર્શનકુમાર અરવિંદ (લો-કાયદો), ઠાકર ફેરમબેન નરેશભાઈ ( એજ્યુકેશન ), ઠાકર પાર્થ કૈલાસભાઈ ( કોમ્પ્યૂટર સાયન્સ ), વ્યાસ હિના કનૈયાલાલ ( લાઈફ્ સાયન્સ ).
આ પણ વાંચોઃ Surat News : ચૌટા પુલ હવે બનશે મોકળો, મેયર અને CP ની સીધી ચેતવણી, "દબાણ કર્યું તો દુકાન સીલ થશે"