ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠનમાં કચ્છના કદાવર નેતા અને નવનિયુક્ત મહામંત્રી અનિરુદ્ધ દવેને મહત્વનું સ્થાન મળતા જ સમગ્ર જિલ્લાના કાર્યકરોમાં ખુશીની લહેર દોડી ગઈ છે. તાજેતરમાં ભુજ સ્થિત ભાજપ કાર્યાલય કમલમ ખાતે તેમનો ભવ્ય અભિવાદન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપના હોદ્દેદારો, ધારાસભ્યો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી તરીકેની મહત્વની જવાબદારી સોંપવામાં આવી
કચ્છનું વધતું કદ અને નવી જવાબદારી પ્રદેશ ભાજપ દ્વારા અનિરુદ્ધ દવેને સંગઠનના મહામંત્રી બનાવવા સાથે સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી તરીકેની મહત્વની જવાબદારી પણ સોંપવામાં આવી છે. કચ્છના પ્રતિનિધિને પ્રદેશ સ્તરે આટલું મહત્વનું સ્થાન મળતા કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. કાર્યક્રમ દરમિયાન આતશબાજી અને ફૂલહાર સાથે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
લોકકલ્યાણકારી યોજનાઓ મારી પ્રાથમિકતાઃઅનિરુદ્ધ દવે
સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરતા અનિરુદ્ધ દવેએ કહ્યુ કે હું પક્ષના નેતૃત્વનો આભાર માનું છું, ભારતીય જનતા પાર્ટીએ મારા પર જે વિશ્વાસ મૂક્યો છે, તે બદલ હું આભારી છું. આગામી દિવસોમાં સંગઠનને પાયાના સ્તરથી વધુ મજબૂત બનાવવું અને સરકારની લોકકલ્યાણકારી યોજનાઓને જન-જન સુધી પહોંચાડવી એ મારી પ્રાથમિકતા રહેશે.
કચ્છ ભાજપમાં નવી ઉર્જાનો સંચાર કર્યો
સંગઠન મજબૂતી પર ભાર તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી તરીકે તેઓ સંગઠનના માળખાને વધુ ચુસ્ત બનાવશે અને કાર્યકરો સાથે સીધો સંવાદ સ્થાપિત કરશે. અભિવાદન સમારોહમાં હાજર રહેલા આગેવાનોએ પણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે અનિરુદ્ધ દવેના બહોળા અનુભવનો લાભ ગુજરાત ભાજપને ચોક્કસપણે મળશે. આ કાર્યક્રમે કચ્છ ભાજપમાં નવી ઉર્જાનો સંચાર કર્યો છે.
આ પણ વાંચોઃ Junagadh News : જૂનાગઢના ગિરનારની પવિત્ર તળેટીમાં આ વર્ષે મહાશિવરાત્રીનો મેળો ‘મિની કુંભ’ તરીકે ઉજવાશે