આ વિચારને સાર્થક કરતી ઝુંબેશ કચ્છ કલેક્ટર આનંદ પટેલની આગેવાનીમાં ત્રણ મહિના પહેલા કચ્છના મહેસૂલ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી હતી. કલેક્ટર આનંદ પટેલના માર્ગદર્શનમાં મહેસૂલી તંત્ર દ્વારા નીમ ન થયેલા તળાવો અને વોટરબોડીની ઓળખ કરીને તેને નીમ કરવાની પ્રક્રિયા ઝુંબેશરૂપે શરૂ કરવામાં આવી. ગુજરાતમાં સૌપ્રથમ વખત કચ્છના ૨૮૧ ગામના કુલ ૯૧૦ તળાવોને રેવન્યૂ રેકર્ડ પર લાવી બ્યુટીફિકેશન, જળસંચય અને સંરક્ષણ માટે કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.
વૈજ્ઞાનિક માપણીમાં ડીઆઈએલઆરને સાથે રાખીને પ્રાથમિકતા આપવામાં આવી
આ ઝુંબેશમાં તળાવો અને વોટરબોડીને સત્તાવાર દરજ્જો આપતા પહેલા તેના ક્ષેત્રફળની માપણીનો અભિગમ અનુસરવામાં આવ્યો. જેથી ભવિષ્યમાં તળાવોના ક્ષેત્રફળને લઈને કોઈ જ વાદવિવાદ ઉપસ્થિત ન થાય અને સત્તાવાર દરજ્જા બાદ તળાવ સંરક્ષણ અને સંવર્ધનના કામોનું સુચારુંરૂપે અમલીકરણ કરી શકાય. કચ્છ જિલ્લા કલેક્ટર આનંદ પટેલે સંબંધિત પ્રાંત અધિકારીઓ, મામલતદારો, લેન્ડ રેકર્ડ ઓફિસર્સ સાથે બેઠક યોજીને તળાવની જમીનોના સંરક્ષણ, સંવર્ધન અને બ્યૂટીફિકેશન માટે 'તળાવ નીમ' કરવાનું અભિયાન ઝુંબેશરૂપે શરૂ કર્યું. મજબૂત રેકર્ડ નિભાવણી થઈ શકે અને ભવિષ્યમાં તળાવોના ક્ષેત્રફળને લઈને કોઈ જ વાદવિવાદ ન થાય તે માટે કચ્છ કલેક્ટર આનંદ પટેલની સૂચનાનુસાર વૈજ્ઞાનિક માપણીમાં ડીઆઈએલઆરને સાથે રાખીને પ્રાથમિકતા આપવામાં આવી.
691 એકર જમીન તળાવ માટે નીમ કરાઈ
જમીનની માપણી બાદ તળાવ નીમના આખરી હુકમો કરવામાં આવ્યા, જેથી ભવિષ્યમાં માપણી અંગે કોઈ વિવાદ ન રહે. ડીઆઈએલઆર કચેરી દ્વારા આધુનિક માપણી પ્રક્રિયા કરવામાં આવી હોય આગામી વર્ષોમાં તળાવોના નિયત ક્ષેત્રફળમાં દબાણો, ગેરકાયદેસર કબજો વગેરે પ્રવૃત્તિઓ અટકશે. ઉલ્લેખનીય છે કે, ભુજ શહેરમાં ૨૧ જેટલા તળાવોને નીમ કરવાના હુકમ કચ્છ કલેક્ટરશ્રી દ્વારા કરવામાં આવ્યા છે અને આ તળાવોને સંબંધિત ઓથોરિટી સોંપવાની પ્રક્રિયા પૂર્ણ કરાઈ છે. કચ્છના તમામ ૧૦ તાલુકામાં અંદાજિત ૫૬૯૧ એકર જમીન તળાવ માટે નીમ કરાઈ.
કચ્છના મહેસૂલી તંત્રની ઝુંબેશે તળાવોને સત્તાવાર દરજ્જો આપી વિકાસાધિન બનાવ્યા છે
કચ્છ કલેક્ટરના દિશાદર્શનમાં કચ્છ જિલ્લાના તમામ ૧૦ તાલુકામાં તળાવ નીમ કરવાનું અભિયાન શરૂ કરાયું હતું. જેમાં ભુજમાં ૩૧૩, મુન્દ્રામાં ૨૫, માંડવીમાં ૩૮, નખત્રાણામાં ૧૬૩, અબડાસામાં ૮૭, અંજારમાં ૧૩૨, ભચાઉમાં ૭૮, રાપરમાં ૧૮, લખપતમાં ૪૫ અને ગાંધીધામમાં ૧૧ એમ કુલ ૯૧૦ તળાવો નીમ કરાયા છે. કચ્છના ૨૮૧ ગામમાં કુલ ૯૧૦ તળાવો માટે અંદાજિત ૫૬૯૧ એકર જમીન નીમ કરાઈ છે. જે જમીનો સ્થાનિક સ્તરે તળાવ તરીકે અસ્તિત્વ ધરાવતી હતી પરંતુ ચોક્કસ રેકર્ડ પર ક્ષેત્રફળ સાથેનો દરજ્જો મળ્યો ન હોય ત્યાં જળસંચય, સંવર્ધન, સંરક્ષણ અને બ્યૂટિફિકેશનના કામો થઈ શકતા ન હતા. કચ્છના મહેસૂલી તંત્રની ઝુંબેશે તળાવોને સત્તાવાર દરજ્જો આપી વિકાસાધિન બનાવ્યા છે.
તળાવોની આસપાસ વૃક્ષારોપણની કામગીરી કરવામાં આવશે
આ તળાવ નીમ અભિયાનમાં ઘણાબધા તળાવો ગૌચર જમીન પર હતા તો તેની ઓળખ કરી તેની સંપૂર્ણ માહિતી જિલ્લા પંચાયતને સોંપવામાં આવી છે. જેથી આ તળાવોનું સ્થાનિક સ્વરાજ્ય તંત્ર દ્વારા સંરક્ષણ અને સંવર્ધન થઈ શકે. કચ્છના ૯૧૦ તળાવોને હવે સત્તાવાર મહેસૂલી રેકર્ડમાં દરજ્જો પ્રાપ્ત થયો હોય આગામી સમયમાં 'સુજલામ સુફલામ યોજના', અમૃત સરોવર, વીબીજીરામજી વગેરે યોજનાઓ હેઠળ સ્થાનિક સંસ્થાઓના સહયોગથી જળસંચયના કામો કરી શકાશે. તળાવના નીમ થવાથી પર્યાવરણી જાળવણી થઈ શકશે અને વન વિભાગ દ્વારા આ તળાવોની આસપાસ વૃક્ષારોપણની કામગીરી કરવામાં આવશે.
પીવાના અને સિંચાઈના પાણીની ગુણવત્તા સુધરશે
ગુજરાતમાં સૌપ્રથમ વખત કચ્છના મહેસૂલી તંત્ર દ્વારા આટલી મોટી સંખ્યામાં તળાવોને નીમ કરવાની ઝુંબેશ હાથ ધરાઈ છે, જેનાથી સૌથી મોટો ફાયદો ભૂર્ગભ જળમાં સુધારા બાબતે થશે. આસપાસના વિસ્તારના ટ્યૂબવેલ, બોરવેલ અને કુવાઓના જળસ્તર ઊંચા આવશે. તળાવોને સત્તાવાર મહેસૂલી દરજ્જો મળવાથી હવે જળસંચયના લગતા વોટર હાર્વેસ્ટિંગ અને પાઈપલાઈન પ્રોજેક્ટ્સ પરનો રાજ્ય સરકારનો ખર્ચ ઘટશે. મોટા પ્રમાણમાં જળસંગ્રહ થવાથી 'માઈક્રો-ક્લાઈમેટ'માં સુધારો થશે. તળાવોના સંરક્ષણથી ખારાશ ઘટશે જેથી પીવાના અને સિંચાઈના પાણીની ગુણવત્તા સુધરશે.
જળ સંવર્ધનનું દાયિત્વ પૂર્ણ કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું બની રહેશે
કચ્છ વહીવટી તંત્રની આ ઝુંબેશથી પશુ-પંખીઓ માટે વિશ્વસનીય પીવાના પાણીના સ્ત્રોત ઊભા થશે અને કૃષિ ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે. કચ્છ કલેક્ટરશ્રી દ્વારા આ તળાવોના વિકાસ માટે સિંચાઈ વિભાગ અને વનવિભાગને ચોક્કસ આયોજન કરવા સૂચના આપવામાં આવી છે. આથી ભવિષ્યમાં જળસંચય, વૃક્ષારોપણ વગેરે કામો આયોજનબદ્ધ રીતે કરી શકાશે. કચ્છ કલેક્ટર આનંદ પટેલની આગેવાનીમાં સમગ્ર મહેસૂલ ટીમ દ્વારા તળાવ નીમની કામગીરી એ પર્યાવરણ રક્ષણ તેમજ ભવિષ્યની પેઢી માટે જળ સંવર્ધનનું દાયિત્વ પૂર્ણ કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું બની રહેશે.
આ પણ વાંચો : Agriculture News : ગુજરાતમાં વાર્ષિક 20 લાખ મેટ્રિક ટનથી વધુ કઠોળનું ઉત્પાદન, 70 ટકાથી વધુ હિસ્સો ચણાનો