કચ્છના અબડાસા તાલુકાના કોઠારા પોલીસ મથકે બે શખ્સો વિરુદ્ધ ભારતીય સેના (Indian Army) જેવી સામ્યતા ધરાવતી જીપ્સી રાખવા બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસને બાતમી મળી હતી કે ભુટો પઢિયાર અને હનીફ પઢિયાર નામના શખ્સો RTO ની કોઈપણ પ્રકારની મંજૂરી વગર આર્મી જેવા રંગ અને ડિઝાઈનવાળી જીપ્સીનો ઉપયોગ કરી રહ્યા છે. કાયદા મુજબ, ઈન્ડિયન આર્મી સિવાય કોઈપણ નાગરિક કે ખાનગી વ્યક્તિ માટે આવા વાહનો કે તેના વિશિષ્ટ કલરનો ઉપયોગ કરવો પ્રતિબંધિત છે, જેનો ભંગ બદલ પોલીસે આ કાર્યવાહી હાથ ધરી છે.
હનીફ પઢિયાર વિરુદ્ધ ફરિયાદ
આ કેસમાં વધુ વિગતો મુજબ, ભૂતપૂર્વ અપક્ષ ઉમેદવાર હનીફ બાવાને પણ આ મામલે સંડોવણી બદલ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. સુરક્ષાના કારણોસર અને લશ્કરી દળોની ઓળખનો દુરુપયોગ ન થાય તે હેતુથી આ પ્રકારના વાહનો રાખવા પર કડક મનાઈ છે. કોઠારા પોલીસે વાહનને જપ્ત કરવાની તજવીજ હાથ ધરી છે અને ફરાર આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આ ઘટના બાદ કચ્છ વિસ્તારમાં મોડિફાઈડ વાહનો અને પ્રતિબંધિત કલર કોડનો ઉપયોગ કરતા વાહનચાલકોમાં ફફડાટ ફેલાયો છે.













