કચ્છ જિલ્લાના ભચાઉ શહેરમાં આવેલા રામવાડી વિસ્તારમાં એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. રામવાડી ચાર રસ્તા પાસે પુરપાટ ઝડપે આવી રહેલા એક એક્ટિવા અને બાઈક વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો તીવ્ર હતો કે વાહન સવાર રોડ પર પટકાયા હતા, જેમાં એક મહિલાને શરીરે ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. આ ભયંકર અકસ્માતની સમગ્ર ઘટના નજીકમાં લાગેલા એક CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે.
સ્પીડ બ્રેકરના અભાવે સર્જાયો અકસ્માત
વીડિયોમાં જોઈ શકાય છે કે ચાર રસ્તા પર બંને વાહનો એકબીજા સાથે અથડાય છે. અકસ્માત સર્જાતા જ આજુબાજુના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે મદદ માટે દોડી આવ્યા હતા. લોકોએ ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવાની તજવીજ પણ હાથ ધરી હતી. સ્થાનિક રહીશોમાં આ અકસ્માતને પગલે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનો આક્ષેપ છે કે આ વ્યસ્ત ચાર રસ્તા પર લાંબા સમયથી સ્પીડ બ્રેકર (ગતિરોધક) મૂકવાની માંગ કરવામાં આવી રહી છે, પરંતુ તંત્ર દ્વારા તે દિશામાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.













