કચ્છ જિલ્લામાં સરકારી જમીનો પર થયેલા ગેરકાયદે અતિક્રમણ સામે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વધુ એક વખત લાલ આંખ કરવામાં આવી છે. કચ્છ કલેક્ટર અનિલ રાણાવસિયાના સીધા માર્ગદર્શન હેઠળ ભુજ તાલુકાના નાના વરનોરા ગામે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મેગા દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ કડક કાર્યવાહી દરમિયાન જાહેર માર્ગ પર નડતરરૂપ બનેલી અનેક ગેરકાયદે દુકાનો પર વહીવટી તંત્રનું બુલડોઝર ફરી વળ્યું હતું.


1,500 ચોરસ મીટર જમીનને અતિક્રમણમુક્ત કરાવી

નાના વરનોરા ગામના જાહેર માર્ગો અને સરકારી જમીન પર મોટા પાયે ગેરકાયદે દબાણો ખડકી દેવામાં આવ્યા હતા. આ સમગ્ર મામલે ભુજ ગ્રામ્યના મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અને માર્ગ અને મકાન વિભાગની સંયુક્ત ટીમ મોટી સંખ્યામાં પોલીસ કાફલાને સાથે રાખીને ઘટનાસ્થળે ત્રાટકી હતી. તંત્ર દ્વારા કડક વલણ અપનાવીને જાહેર માર્ગમાં અડચણરૂપ બનેલી 21 જેટલી પાકી દુકાનોને તોડી પાડી જમીનદોસ્ત કરી દેવામાં આવી હતી. આ ઓપરેશન દ્વારા તંત્રએ આશરે 1,500 ચોરસ મીટર સરકારી જમીનને અતિક્રમણમુક્ત કરાવી છે.

મુક્ત કરાયેલી જમીનની કિંમત 37.50 લાખ

વહીવટી તંત્ર દ્વારા મુક્ત કરાવવામાં આવેલી આ આશરે 1,500 ચોરસ મીટર સરકારી જમીનની બજાર કિંમત અંદાજિત 37.50 લાખ રૂપિયા હોવાનું સામે આવ્યું છે. સરકારી જમીન હડપ કરનારા તત્વો સામે કચ્છ વહીવટી તંત્ર દ્વારા એક પછી એક કરવામાં આવી રહેલી આ પ્રકારની કડક અને સીધી કાર્યવાહીથી જિલ્લાના અસામાજિક તત્વો અને ભૂમાફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. આગામી દિવસોમાં પણ અન્ય વિસ્તારોમાં આ પ્રકારની ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે તેવા સંકેતો તંત્ર દ્વારા મળ્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: