કચ્છ જિલ્લાના ઔદ્યોગિક હબ ગણાતા ગાંધીધામ શહેરમાંથી નશાના કાળા કારોબાર વિરુદ્ધ પોલીસે એક મોટી અને સફળ કાર્યવાહી કરી છે. ગાંધીધામ “બી” ડિવિઝન પોલીસે ચોક્કસ અને ખાનગી બાતમીના આધારે નશીલા પદાર્થોનું ગેરકાયદેસર વેચાણ કરતા એક શખ્સને મોટા પ્રમાણમાં ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે. યુવાધનને બરબાદ કરતા ડ્રગ્સ અને નશાના દૂષણને ડામવા માટે કચ્છ પોલીસ દ્વારા આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે.


સેક્ટર-7 ની પૂનમ સોસાયટીમાં દરોડો

પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, ગાંધીધામના સેક્ટર-7 વિસ્તારમાં આવેલી પૂનમ સોસાયટીમાં નશાકારક પદાર્થનો વેપલો ચાલી રહ્યો હોવાની બાતમી પોલીસને મળી હતી. જેના પગલે “બી” ડિવિઝન પોલીસની ટીમે આયોજનબદ્ધ રીતે સોસાયટીના કથિત અડ્ડા પર ઓચિંતો દરોડો પાડ્યો હતો. આ સર્ચ ઓપરેશન દરમિયાન પોલીસે સ્થળ પરથી અજય હિરજી સિંચણીયા નામના શખ્સને દબોચી લીધો હતો. આરોપીની તલાશી લેતા તેની પાસેથી 467.85 ગ્રામ ગેરકાયદેસર ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો, જેને પોલીસે કબ્જે કર્યો છે.

મુખ્ય સૂત્રધાર 'મનોજ લંગડો' વોન્ટેડ

પોલીસે પકડાયેલા આરોપી અજય સિંચણીયા પાસેથી ગાંજા ઉપરાંત નશાના છૂટક વેચાણમાં વપરાતો ડિજિટલ ઇલેક્ટ્રિક વજન કાંટો તેમજ ગ્રાહકો સાથે સંપર્ક કરવા માટેનો મોબાઈલ ફોન સહિતનો અન્ય મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં નશાના આ નેટવર્ક પાછળ 'મનોજ લંગડો' નામનો અન્ય એક કુખ્યાત શખ્સ સંડોવાયેલો હોવાનું બહાર આવ્યું છે, જેને પોલીસે ચોપડે વોન્ટેડ જાહેર કર્યો છે. પકડાયેલા આરોપી સામે એનડીપીએસ (NDPS) એક્ટ હેઠળ ગુનો નોંધીને પોલીસે ફરાર મનોજ લંગડાને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: