સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરમાં મોડી સાંજે એક રહેણાંક મકાન ધરાશાયી થવાની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. શહેરના વ્યસ્ત ગણાતા આઝાદ ચોક નજીક આવેલા છાલિયા પરા વિસ્તારમાં આ દુર્ઘટના ઘટી હતી, જેના કારણે સ્થાનિક રહીશોમાં ભારે દોડધામ મચી ગઈ હતી. આ મકાન ઘણું જુનવાણી હતું અને લાંબા સમયથી જર્જરિત હાલતમાં ઉભું હતું. મોડી સાંજે અચાનક આ મકાનનો ભાગ ધરાશાયી થતા ગ્રીનચોક મેઇન રોડ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
ધટનામાં સદનસીબે કોઈ જાનહાની થઇ નહતી
મકાન જે સમયે પડ્યું ત્યારે આસપાસ લોકોની અવરજવર ઓછી હોવાથી એક મોટી હોનારત ટળી હતી અને સદભાગ્યે કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી. ઘટનાની જાણ થતા જ લીંબડી નગરપાલિકાની ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ફાઈટરોએ કાટમાળ ખસેડવાની અને રસ્તો સાફ કરવાની કામગીરી હાથ ધરી હતી, જેથી વાહન વ્યવહારમાં કોઈ અડચણ ન આવે.













