અમદાવાદ ગ્રામ્યના વિરમગામમાં નગરપાલિકાની ચૂંટણી પહેલા જ રાજકીય માહોલ ગરમાયો છે. વિરમગામ નગરપાલિકાના વોર્ડ નંબર-2 માંથી અપક્ષ ઉમેદવારી નોંધાવનાર મહિલા ઉમેદવાર ઈતિશા મનુભાઈ ચૌહાણનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયોમાં મહિલાએ પોતાની ઉમેદવારી પરત ખેંચવા માટે ગંભીર દબાણ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કર્યો છે, જેના કારણે સ્થાનિક રાજકારણમાં મોટો વંટોળ ઉભો થયો છે.
પોલીસ અને ભાજપના હોદ્દેદારો સામે ગંભીર આરોપો
વાયરલ થયેલા વીડિયોમાં અપક્ષ ઉમેદવાર ઈતિશા ચૌહાણે સીધો આક્ષેપ કર્યો છે કે પોલીસ અને ભાજપના હોદ્દેદારોએ તેમના રહેણાંક મકાનમાં આવીને તેમને ટૉર્ચર કર્યા છે. તેમણે વધુમાં જણાવ્યું કે તેમને ચૂંટણીના મેદાનમાંથી હટી જવા માટે માનસિક ત્રાસ આપવામાં આવ્યો હતો. એક મહિલા ઉમેદવાર દ્વારા આ પ્રકારે પોલીસ અને સત્તાધારી પક્ષના નેતાઓ સામે જાહેરમાં આક્ષેપ કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.













