મહેસાણા જિલ્લાના સતલાસણા પંથકમાંથી એક અત્યંત ચોંકાવનારા અને રહસ્યમય સમાચાર સામે આવ્યા છે. સતલાસણા ગામની સીમમાંથી એક માનવ કંકાલ (ખોપડી અને હાડપિંજર)ના અવશેષો મળી આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. આ ઘટનાની જાણ થતાં જ સ્થાનીય લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક ધોરણે પોલીસને આ અંગે માહિતગાર કરવામાં આવી હતી.



મંદિર જવાના રસ્તા નજીકથી મળ્યા અવશેષો

ઘટનાની મળતી વિગતો અનુસાર, સતલાસણા સીમ વિસ્તારમાં આવેલા પ્રખ્યાત દુધેલી માતાના મંદિર તરફ જવાના રસ્તા નજીકથી આ માનવ કંકાલ મળી આવ્યું છે. રસ્તાની બાજુમાં માનવ કંકાલના અલગ-અલગ અવશેષો વેરવિખેર હાલતમાં દેખાતા રાહદારીઓ અને સ્થાનિક રહીશો ચોંકી ઉઠ્યા હતા. હાડપિંજરના અવશેષો જોઈને પ્રાથમિક દ્રષ્ટિએ જ કોઈ અઘટિત ઘટના ઘટી હોવાની આશંકા સેવાઈ રહી છે.


ઇન્ચાર્જ PI સહિતનો કાફલો ઘટના સ્થળે

ઘટનાની ગંભીરતાને જોતા સતલાસણા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ (PI) સહિતનો ઉચ્ચ પોલીસ સ્ટાફ તાત્કાલિક અસરથી સીમ વિસ્તારમાં દોડી ગયો હતો. પોલીસે તુરંત જ ક્રાઈમ સીન સાચવીને સ્થળ પર પંચનામાની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ માનવ કંકાલ કોઈ પુરૂષનું છે કે સ્ત્રીનું, તેમજ આ મોત પાછળ કોઈ હત્યાનો ગુનો છુપાયેલો છે કે કેમ તે જાણવા માટે પોલીસે ઊંડી તપાસ શરૂ કરી છે. માનવ કંકાલના અવશેષોને ફોરેન્સિક પેનલ ડોક્ટર દ્વારા પોસ્ટમોર્ટમ (PM) અને DNA ટેસ્ટ કરાવવા માટે અમદાવાદ ખાતે મોકલી આપવામાં આવ્યું છે.


આગળની તપાસ તેજ

હાલમાં સતલાસણા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી, આસપાસના વિસ્તારોમાંથી ગુમ થયેલા લોકોની યાદી ચકાસવા સહિતની આગળની તપાસ તેજ કરી છે.


આ પણ વાંચો - Mehsana News: કડીના મેડાઆદરજ ગામે માટી ખનનની લેતીદેતીમાં જૂથ અથડામણ


  • Follow us on: