મહેસાણા જિલ્લાના કડી તાલુકાના મેડાઆદરજ ગામેથી સશસ્ત્ર જૂથ અથડામણની એક ચિંતાજનક ઘટના સામે આવી છે. અહીં માટી ખનન (માટી ખોદકામ)ના વ્યવસાયમાં પૈસાની લેતીદેતી બાબતે બે જૂથો વચ્ચે ઉગ્ર બબાલ થઈ હતી. બંને પક્ષો વચ્ચે મોડી રાત્રે સમાધાન થઈ ગયું હોવા છતાં, એક જૂથે જૂની અદાવત મનમાં રાખીને સામા પક્ષ પર જીવલેણ હુમલો કરી દીધો હતો. આ હિંસક ધીંગાણાને પગલે ગામમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી.


સમાધાનના થોડા જ કલાકોમાં ઘાતક હુમલો

પૈસાની ઉઘરાણીના વિવાદને શાંત પાડવા માટે ગત રાત્રે બંને જૂથના અગ્રણીઓ વચ્ચે બેઠક થઈ હતી અને મામલો થાળે પડ્યો હતો. જોકે આ સમાધાન મંજૂર ન હોય તેમ સામેના જૂથના 5થી 6 જેટલા ઉશ્કેરાયેલા ઈસમો સવારના સમયે ધારીયા અને ધોકા જેવા ઘાતક હથિયારો સાથે ધસી આવ્યા હતા. આ શખ્સોએ ફરિયાદી યુવકને ઘેરી લીધો હતો અને તેની પર તૂટી પડ્યા હતા.

બાવલું પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ

હુમલાખોરોએ અત્યંત ક્રૂરતાપૂર્વક ફરિયાદીના બંને પગ પર ધોકા અને ધારીયાના આડેધડ ઘા ઝીંક્યા હતા, જેના કારણે યુવક લોહીલુહાણ થઈને ઘટનાસ્થળે જ ઢળી પડ્યો હતો અને તેના બંને પગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. હુમલા બાદ ચીસાચીસ થતાં આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર અર્થે કડીની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. આ લોહિયાળ ઘટનાની જાણ થતાં જ બાવલું પોલીસનો કાફલો તાબડતોબ મેડાઆદરજ ગામે દોડી ગયો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવી હુમલાખોરો વિરૂદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: