મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના મલાવ ગામમાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને મોટી દુર્ઘટના સામે આવી છે. મલાવ ગામે અચાનક એક મહાકાય ઝાડ ધરાશાયી થઈ જતાં તેની નીચે 3 લોકો દબાયા હતા. આ કમકમાટીભરી દુર્ઘટનામાં એક 65 વર્ષીય વૃદ્ધાનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય બે મહિલાઓનો આબાદ બચાવ થયો છે. ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે અફરાતફરી અને દોડધામ મચી ગઈ હતી.


વિશાળકાય ઝાડ ધરાશાયી

ઘટનાની મળતી વિગતો અનુસાર, વિજાપુરના મલાવ ગામે વર્ષો જૂનું એક વિશાળકાય ઝાડ અચાનક રસ્તા પર પત્તાની જેમ તૂટી પડ્યું હતું. આ સમયે ત્યાંથી પસાર થઈ રહેલા ત્રણ સ્થાનિક લોકો ઝાડના તોતિંગ વજન નીચે જ ચગદાઈ ગયા હતા. ઝાડ પડવાનો ભયાનક અવાજ આવતા જ આસપાસથી ગ્રામજનો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. જે બાદ આ અંગે મહેસાણા ફાયર વિભાગને જાણ કરી હતી.

લીલાબેન મહેશભાઈ પટેલનું મોત

આ દુર્ઘટનામાં ઝાડ નીચે ગંભીર રીતે દબાઈ જવાને કારણે 65 વર્ષીય લીલાબેન મહેશભાઈ પટેલનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ કાફલા સાથે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર વિભાગના જવાનોએ કટર અને આધુનિક દોરડાની મદદથી ભારે જહેમત ઉઠાવીને ઝાડના તોતિંગ ભાગોને કાપવાની કામગીરી શરૂ કરી હતી.

ગામમાં માતમ અને શોકનો માહોલ

તંત્ર અને સ્થાનિકોની સંયુક્ત બચાવ કામગીરીના કારણે ઝાડ નીચે ફસાયેલી અન્ય બે મહિલાઓ, ભીખીબેન સેનમા અને વીણાબેન સેનમાને સમયસર અને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા. આ બંને મહિલાઓનો આબાદ બચાવ થતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે, વેકેશન અને શાંત માહોલ વચ્ચે મલાવ ગામમાં બનેલી આ કરૂણ ઘટનાને પગલે મૃતક વૃદ્ધાના પરિવાર સહિત સમગ્ર ગામમાં માતમ અને શોકનો માહોલ છવાઈ ગયો છે.


આ પણ વાંચો - Mehsana News: શોભાસણ નજીક કાળજુ કંપાવનારી ઘટના, રેલવે ટ્રેક ક્રોસ કરતા 3 બાળકોના મોત


  • Follow us on: