મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ઇન્દ્રાડ ગામમાં કેમિકલ કંપનીઓ દ્વારા ફેલાવવામાં આવતા પ્રદૂષણને લઈને ગ્રામ પંચાયત અને ગ્રામજનો આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે. ઇન્દ્રાડ ગ્રામ પંચાયત દ્વારા મહેસાણા GPCB (ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ) અને તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે સ્થાનિક કેમિકલ કંપનીઓ દ્વારા છોડવામાં આવતા દૂષિત પાણી અને પ્રદૂષણને કારણે ખેતી અને લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસરો પડી રહી છે. આ બાબતે પંચાયતે સ્પષ્ટ માંગ કરી છે કે પર્યાવરણના નિયમોનું ઉલ્લંઘન કરતી કંપનીઓ સામે સત્વરે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.


પ્રદૂષણ મુક્ત ગામ માટે લડત

નોંધનીય છે કે, બે દિવસ પહેલા જ જિલ્લા વિકાસ અધિકારી (DDO) એ ઇન્દ્રાડ ગામની મુલાકાત લીધી હતી, જે દરમિયાન મોટી સંખ્યામાં ગ્રામજનોએ એકઠા થઈને દૂષિત પાણીની સમસ્યા અંગે રજૂઆત કરી હતી. DDO એ સ્થળ પર પરિસ્થિતિની ગંભીરતા પારખી હતી અને ગ્રામજનોની ફરિયાદો સાંભળી હતી. ગ્રામ પંચાયત દ્વારા હવે સત્તાવાર રીતે GPCB ને ફરિયાદ સોંપવામાં આવતા તંત્ર હરકતમાં આવ્યું છે. જો આગામી દિવસોમાં પ્રદૂષણ અટકાવવા માટે નક્કર પગલાં લેવામાં નહીં આવે, તો ગ્રામજનોએ ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.

આ પણ વાંચો : Jamnagar AI ન્યૂઝ કાંડ, મુખ્ય સૂત્રધાર વિશાલ કણસાગરા સહિત 4 શખ્સો પોલીસ સકંજામાં

  • Follow us on: