મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના મક્તુપુર ગામમાં જમીન પચાવી પાડવાના (લેન્ડ ગ્રેબિંગ) ગંભીર મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ ઘટનામાં મયુર જાદવ નામના વ્યક્તિની માલિકીની જમીન પર મહેશ પટેલ નામના શખ્સે ગેરકાયદેસર કબજો જમાવી લેતા લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. ફરિયાદ મુજબ, મહેશ પટેલે મક્તુપુરમાં આવેલી મયુર જાદવની 390.50 ચોરસ મીટર (લગભગ 4200 ચોરસ ફૂટ) જેટલી કિંમતી જમીન પચાવી પાડી હતી.
ઊંઝામાં જમીન માફિયાઓ પર તવાઈ
જમીનના મૂળ માલિક દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં જમીન ખાલી ન કરાતા આખરે તેમણે સરકારી લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરવાનો નિર્ણય લીધો હતો. આખરે, જમીન પચાવી પાડવા બદલ આરોપી મહેશ પટેલ સામે ઊંઝા પોલીસ સ્ટેશનમાં લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટની સંબંધિત કલમો હેઠળ સત્તાવાર ફરિયાદ નોંધવામાં આવી છે. આ ફરિયાદને પગલે સ્થાનિક જમીન માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. પોલીસે આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને આરોપી સામે કાયદાકીય પગલાં ભરવાની તજવીજ હાથ ધરી છે. આ ઘટના દર્શાવે છે કે રાજ્ય સરકાર દ્વારા કડક કાયદો લાવવા છતાં લેન્ડ ગ્રેબિંગના કિસ્સાઓ હજી પણ સામે આવી રહ્યા છે.













