ખેરાલુ નાગરિક બેંકની આવતીકાલે યોજાનારી ચૂંટણી પહેલા જ ભારે હડકંપ મચી ગયો છે. મહેસાણા બોર્ડ ઓફ નોમિનીઝ દ્વારા વિકાસ પેનલના 6 જેટલા ઉમેદવારોના ફોર્મ રદ કરવાનો આદેશ આપતા ચૂંટણીના સમીકરણો બદલાયા છે. આ ઘટનાને પગલે બેંકના ચૂંટણી અધિકારી અને સમગ્ર વહીવટી તંત્ર મુંઝવણમાં મુકાયું છે. બેંકમાં વિકાસ પેનલના 11 અને પરિવર્તન પેનલના 9 ઉમેદવારો વચ્ચે જંગ ખેલાવાનો હતો. જોકે, ડિરેક્ટરોના દસ વર્ષના સત્તા મુદત અને અન્ય ટેકનિકલ કારણોસર બોર્ડ ઓફ નોમિનીઝમાં અરજી કરવામાં આવી હતી.


બેંકની ચૂંટણી પહેલા વિકાસ પેનલના 6 ફોર્મ રદ

દશરથભાઈ પરમાર દ્વારા કરવામાં આવેલી ફરિયાદ અને કાયદાકીય જોગવાઈઓને ધ્યાને રાખીને કોર્ટે વિકાસ પેનલના રમિલાબેન દેસાઈ, હસમુખભાઈ પટેલ, ગોવિંદભાઈ કે. સથવારા, ગોવિંદભાઈ બી. સથવારા, જશુભાઈ પ્રજાપતિ અને નારીભાઈ સીધીની ઉમેદવારી રદ ઠેરવી છે. નોંધનીય છે કે હસમુખભાઈ પટેલ પાસે વધુ મતદારોનું સમર્થન હોવા છતાં ટેકનિકલ કારણોસર તેમનું ફોર્મ રદ થયું છે. આ આદેશ બાદ પરિવર્તન પેનલના આગેવાનો હેમંતભાઈ શુક્લ અને ધર્મેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટ બેંક ખાતે પહોંચ્યા હતા અને અગાઉ છપાયેલા બેલેટ પેપર રદ કરવાની માંગ કરી હતી.

નવીન બેલેટ પેપર છાપવા વિકાસ પેનલે કરી માંગ

બીજી તરફ, વિકાસ પેનલે પણ નવા બેલેટ પેપર છાપવા રજૂઆત કરી છે. ચૂંટણી અધિકારી ભવાનભાઈ પટેલે કાયદાકીય ગૂંચ ઉકેલવા બેંકના વકીલ બી.જે. બારોટની સલાહ લીધી છે. આવતીકાલે સવારે ચૂંટણી યોજાવાની હોવાથી, આટલા ટૂંકા સમયમાં નવા બેલેટ પેપર છાપવા અને પ્રક્રિયા પૂર્ણ કરવી એ તંત્ર માટે મોટો પડકાર બની ગયો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: