મહેસાણા જિલ્લાનો કડી તાલુકો ફરી એકવાર લગ્ન પ્રસંગમાં થયેલા અસાધારણ ખર્ચ અને ચલણી નોટોના વરસાદને કારણે વિવાદમાં આવ્યો છે. કડીના અગોલ ગામમાં ભાજપના એક સ્થાનિક નેતાના પરિવારમાં આયોજિત લગ્ન પ્રસંગના વરઘોડામાં લાખોની નોટો ઉડાડવામાં આવતા આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. કડી તાલુકા પંચાયતના ભાજપના સદસ્ય ઝૂલેખાબેન ઇદરેશભાઈના ભત્રીજાનો વરઘોડો નીકળ્યો હતો.


ભાજપ તાલુકા સદસ્યના ભત્રીજાના વરઘોડામાં ઉડી નોટો

વરઘોડો જ્યારે ગામના મુખ્ય ચોકમાં પહોંચ્યો ત્યારે ઉત્સાહમાં આવીને પરિવારજનો અને સમર્થકો દ્વારા રસ્તા પર ચલણી નોટોનો વરસાદ કરવામાં આવ્યો હતો. નોટો હવામાં ઉડાડાતા આખું આકાશ નોટોથી ભરાઈ ગયું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. ગામના મુખ્ય ચોકમાં લાખોની કિંમતની નોટો હવામાં ઉડાડાતા તેને વીણવા માટે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. નોટો લેવા માટે બાળકો અને યુવકોમાં ભારે ખેંચતાણ અને હોબાળો જોવા મળ્યો હતો.

ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો

આ અફરાતફરીને કારણે લગ્ન પ્રસંગમાં થોડીવાર માટે અંધાધૂંધી સર્જાઈ હતી અને લોકોના ટોળા વચ્ચે ભારે ધક્કામુક્કી થઈ હતી. નોંધનીય છે કે, અગોલ ગામ અગાઉ પણ આવા જ એક લગ્ન પ્રસંગમાં લાખોની નોટો ઉડાડવા બદલ રાજ્યભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું. ત્યારે ફરી એકવાર આ પ્રકારની વિવાદિત ઉજવણી અને નાણાંના પ્રદર્શનને કારણે ગામ ચર્ચામાં આવ્યું છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થતા લોકોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: