મહેસાણા જિલ્લામાં વિસનગર ખાતે સગીરાને ગોંધી રાખીને તેની પર ગેંગરેપ આચરવાના ગંભીર અને સનસનીખેજ કેસમાં સ્પેશ્યલ પોક્સો કોર્ટે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. આ કેસના મુખ્ય આરોપી પૈકીના એક દેવાંગ મકવાણા દ્વારા દાખલ કરવામાં આવેલી નિયમિત જામીન અરજીને કોર્ટે નામંજૂર કરી દીધી છે. આરોપી દેવાંગ મકવાણાએ જામીન પર છૂટવા માટે અરજી દાખલ કરી હતી, પરંતુ સરકારી વકીલે કોર્ટ સમક્ષ મજબૂત અને ધારદાર દલીલો રજૂ કરી હતી.
પોક્સો કોર્ટની કડકાઈ
સરકારી વકીલે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આરોપીએ સગીર પીડિતાને ગોંધી રાખીને તેની સાથે દુષ્કર્મ આચર્યું છે, જે અત્યંત ગંભીર ગુનો છે. જો આવા આરોપીને જામીન આપવામાં આવે તો તે પુરાવાઓ સાથે ચેડાં કરી શકે છે અથવા પીડિતા અને તેના પરિવાર પર દબાણ લાવી શકે છે. સરકારી વકીલની આ દલીલોને ધ્યાનમાં રાખીને અને ગુનાની ગંભીરતાને જોતા સ્પેશ્યલ પોક્સો કોર્ટે આરોપી દેવાંગ મકવાણાની જામીન અરજીને ફગાવી દીધી હતી. કોર્ટના આ નિર્ણયથી પીડિત સગીરા અને તેના પરિવારને ન્યાય મળવાની આશા બંધાઈ છે, જ્યારે સમાજમાં પણ એક કડક સંદેશ ગયો છે કે બાળકો સામેના જાતીય શોષણના કેસોમાં કોઈ પણ પ્રકારની ઢીલ મૂકવામાં આવશે નહીં.













