અરવલ્લી જિલ્લાના મોડાસામાં આવેલી અંજલિ વીલા સોસાયટીમાં બનેલી ભયાનક લૂંટ અને ધાડની ઘટનામાં લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ને મોટી સફળતા મળી છે. પોલીસે આંતરરાજ્ય ગેંગના મુખ્ય સૂત્રધાર લાલુ મંડલોઈની ધરપકડ કરી આજે ઘટનાસ્થળે સમગ્ર લૂંટનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. આ આરોપીની ધરપકડથી જિલ્લામાં ઘરફોડ ચોરી અને લૂંટના અનેક ગુનાઓનો ભેદ ઉકેલાયો છે.


પરિવારને બંધક બનાવી ચલાવી હતી લૂંટ

આરોપી લાલુ મંડલોઈએ તેની ગેંગ સાથે મળીને મોડાસાની અંજલિ વીલામાં ધાડ પાડી હતી. આ ગેંગે ઘરના સભ્યોને હથિયારો બતાવી બંધક બનાવ્યા હતા અને કિંમતી સોના-ચાંદીના દાગીનાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. પકડાયેલો આરોપી લાલુ મંડલોઈ પ્રોફેશનલ ગુનેગાર છે, જેના વિરુદ્ધ અગાઉ આર્મ્સ એક્ટ હેઠળ અલગ-અલગ સ્થળોએ 24 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.

દાગીનાની 'રણી' બનાવી વેચવા જતાં ઝડપાયો

આરોપીઓ લૂંટાયેલા સોના-ચાંદીના દાગીના સીધા બજારમાં વેચી શકતા નહોતા, કારણ કે તેના પકડાઈ જવાનો ડર હતો. આથી આરોપીઓએ દાગીના ઓગાળીને તેની 'રણીઓ' બનાવી દીધી હતી. જ્યારે લાલુ મંડલોઈ આ રણીઓ વેચવા માટે મોડાસા આવ્યો ત્યારે એલસીબી પોલીસે ચોક્કસ બાતમીના આધારે તેને દબોચી લીધો હતો. હાલ પોલીસે આરોપીને સાથે રાખી ઘટના સ્થળે કેવી રીતે લૂંટ ચલાવી હતી તેનું રિકન્સ્ટ્રક્શન કરી વધુ તપાસ હાથ ધરી છે. આ ગેંગના અન્ય સાગરીતોને પકડવા માટે પણ ચક્રો ગતિમાન કર્યા છે.


આ પણ વાંચો---      Ahmedabad : અનેક લોકોને જમીન અને કન્સ્ટ્રક્શન સ્કીમમાં ઊંચા વળતરની લાલચ આપી 400 કરોડનું જમીન કૌભાંડ

  • Follow us on: