અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના રાજકારણમાં આજે એક મોટો ઉલટફેર જોવા મળ્યો છે. ખાસ કરીને લીંભોઈ વિસ્તારમાં ભાજપના મજબૂત ગઢમાં ગાબડું પડ્યું છે. અહીંના ચાર વર્તમાન સરપંચો સહિત 125 થી વધુ સક્રિય કાર્યકરો ભાજપનો સાથ છોડીને વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા છે. આ પક્ષપલટામાં પૂર્વ સરપંચો અને દેશની સેવા કરી પરત ફરેલા નિવૃત્ત આર્મીમેનનો પણ સમાવેશ થાય છે, જેને પગલે સ્થાનિક સ્તરે ભાજપ સંગઠનને મોટો ફટકો પડ્યો છે.
ભાજપની નીતિઓ સામે રોષ
પક્ષપલટો કરનાર કાર્યકરોએ આક્ષેપ કર્યો હતો કે તેઓ ભાજપની વર્તમાન નીતિઓ અને કાર્યપદ્ધતિથી નારાજ છે. પાયાના કાર્યકરોની અવગણના થતી હોવાની લાગણી સાથે તેમણે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે. અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરૂણભાઈ પટેલની હાજરીમાં આ તમામ કાર્યકરોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ દ્વારા આ ઘટનાને લોકશાહી બચાવવાની લડાઈમાં લોકોનો સાથ મળી રહ્યો હોવાનું ગણાવ્યું હતું.













