અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં પ્રેમ લગ્ન કરનાર નવદંપતી પર હુમલો કરી યુવતીના અપહરણ કરવાના ચકચારી મામલામાં પોલીસે સપાટો બોલાવ્યો છે. મોડાસા કોલેજ રોડ પરથી ફિલ્મી ઢબે અપહરણ કરાયેલી યુવતી અલ્ફીનાને અરવલ્લી પોલીસે ગણતરીના કલાકોમાં જ ભરૂચ જિલ્લાના આમોદ ખાતેથી અપહરણકર્તાઓની ચૂંગલમાંથી સુરક્ષિત રીતે છોડાવી લીધી છે. આ ત્વરિત કાર્યવાહીથી ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
LCB અને SOG સહિત 7 ટીમો મેદાને
આ હાઈપ્રોફાઈલ અપહરણ કેસ ઉકેલવા માટે જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ એલસીબી (LCB), એસઓજી (SOG) સહિત પોલીસની અલગ-અલગ 7 ટીમો કામે લગાડવામાં આવી હતી. પોલીસે હ્યુમન ઈન્ટેલિજન્સ અને ટેકનિકલ એનાલિસિસની મદદથી સંયુક્ત ઓપરેશન હાથ ધરીને અપહરણ, ધાડ અને ગુનાહિત કાવતરાના આ કેસમાં યુવતીના માતા-પિતા સહિત કુલ 6 સગા-સંબંધીઓની ધરપકડ કરી જેલભેગા કરી દીધા છે.













