મોરબી જિલ્લા ભાજપના રાજકારણમાં એક ચકચાર મચાવનારી ઘટના સામે આવી છે. જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિ રાજકોટિયા એક ગંભીર વિવાદમાં સપડાયા છે, જ્યાં રૂપિયાની ઉઘરાણી માટે કેટલીક મહિલાઓએ તેમના નિવાસસ્થાને ધામા નાખ્યા હતા અને તેમને ઘેરી લીધા હતા. પ્રાપ્ત માહિતી મુજબ, કેટલાક આર્થિક વ્યવહારોને લઈને આ મહિલાઓ જયંતિ રાજકોટિયા પાસેથી તેમના બાકી નીકળતા રૂપિયા લેવા માટે પહોંચી હતી. મહિલાઓએ પ્રમુખના ઘરની બહાર એકઠાં થઈને ઉઘરાણી શરૂ કરતાં ત્યાં હંગામા જેવો માહોલ સર્જાયો હતો.


મોરબી રાજકારણમાં ગરમાવો

પરિસ્થિતિ વણસતી જોઈને જિલ્લા પ્રમુખ જયંતિ રાજકોટિયાએ તાત્કાલિક પોલીસની મદદ લેવાની ફરજ પડી હતી. પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચતા જ જયંતિ રાજકોટિયા પોલીસની સુરક્ષા સાથે માંડ માંડ પોતાના ઘરની બહાર નીકળી શક્યા હતા. જોકે, આ સમય દરમિયાન પણ મહિલાઓએ તેમને ઘેરવાનો પ્રયાસ ચાલુ રાખતાં પ્રમુખે ઉતાવળે ત્યાંથી ચાલતી પકડી હતી. આ ઘટનાને પગલે મોરબી જિલ્લા ભાજપમાં ખળભળાટ મચી ગયો છે. જિલ્લાના રાજકીય વર્તુળોમાં આર્થિક વિવાદ અને સત્તાધીશ પક્ષના પ્રમુખનું આ રીતે જાહેરમાં ઘેરાવું ચર્ચાનો વિષય બન્યો છે. જોકે, આ આર્થિક વ્યવહાર કયા પ્રકારનો હતો અને પ્રમુખે કેટલી રકમ આપવાની બાકી હતી તે અંગેની ચોક્કસ વિગતો હજુ સુધી સામે આવી નથી.

આ પણ વાંચો : Gandhinagar News : સરકારી નોકરીવાંચ્છુકો માટે તકનો ખજાનો, GPSC દ્વારા 67 વિભાગોમાં 378 જગ્યાઓ માટે મેગા ભરતીની જાહેરાત 

  • Follow us on: