ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી ધોરણ 10 અને 12ની પરીક્ષાઓનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. મોરબી જિલ્લામાં પરીક્ષાને લઈને વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આ વર્ષે મોરબી જિલ્લાના કુલ 17 કેન્દ્રો પરથી 22,870 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસવાના છે.
પરીક્ષાનું સંપૂર્ણ માળખું
મોરબી જિલ્લા શિક્ષણાધિકારી કમલેશ મોતાના જણાવ્યા અનુસાર, પરીક્ષાના સુચારુ સંચાલન માટે તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે. ધોરણ 10માં 10 કેન્દ્રો પર કુલ 14,014 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જ્યારે ધોરણ 12 (સામાન્ય પ્રવાહ)માં 4 કેન્દ્રો પર 6,968 વિદ્યાર્થીઓ નોંધાયા છે. ધોરણ 12 (વિજ્ઞાન પ્રવાહ)માં 3 કેન્દ્રો પર 1,888 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
દિવ્યાંગો માટે વિશેષ સુવિધા અને CCTV પર નજર
પરીક્ષામાં પારદર્શિતા જળવાઈ રહે તે માટે તમામ વર્ગખંડોને CCTV કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે. આ વર્ષે જિલ્લામાં કુલ 56 દિવ્યાંગ વિદ્યાર્થીઓ (ધોરણ 10માં 39 અને ધોરણ 12માં 17) પરીક્ષા આપવાના છે, જેમના માટે ખાસ બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. અગાઉ દિવ્યાંગો માટે પહેલા માળે વ્યવસ્થા થતી હતી, પરંતુ તેમની સુવિધાને ધ્યાને રાખી વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
કર્મચારીઓને અપાઈ તાલીમ
પરીક્ષાની કામગીરીમાં રોકાયેલા તમામ નિરીક્ષકો અને કર્મચારીઓની તાલીમ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. મોરબીનું શિક્ષણ વિભાગ વિદ્યાર્થીઓ કોઈ પણ પ્રકારના ડર વગર શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી શકે તે માટે કટિબદ્ધ છે. પ્રશ્નપત્રોની સુરક્ષાથી લઈને કેન્દ્રો પર પોલીસ બંદોબસ્ત સુધીની તમામ કવાયત આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.
આ પણ વાંચો - Halvad-માળીયા હાઈવે પર ટ્રેલર પાછળ ડમ્પર ઘુસી જતાં સર્જાયો ભયાનક અકસ્માત