ગુજરાતના ઔદ્યોગિક હબ ગણાતા મોરબીના સિરામિક ઉદ્યોગ પર હાલ સંકટના વાદળો ઘેરાયા છે. ગેસ સપ્લાયમાં આવેલા મોટા અવરોધને કારણે મોરબીની અંદાજે 225 જેટલી સિરામિક ફેક્ટરીઓના યુનિટો બંધ થઈ ગયા છે. પ્રોપેન અને નેચરલ ગેસના પુરવઠામાં થયેલા તોતિંગ ઘટાડાને પગલે ઉદ્યોગકારોની મુશ્કેલીમાં ધરખમ વધારો થયો છે.
સપ્લાય ચેન ખોરવાતા ઉત્પાદન ઠપ
ઘટનાની મળતી માહિતી અનુસાર, મોરબીમાં પ્રોપેન ગેસનો સપ્લાય સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે, જ્યારે નેચરલ ગેસના સપ્લાયમાં પણ 50 ટકા જેટલો મોટો ઘટાડો કરવામાં આવ્યો છે. ગેસ એ સિરામિક ઉદ્યોગ માટે મુખ્ય ઈંધણ હોવાથી, પૂરતો પુરવઠો ન મળતા ઉત્પાદન પ્રક્રિયા અટકી પડી છે. જો સ્થિતિમાં વહેલી તકે સુધારો નહીં આવે, તો આગામી સમયમાં 600 થી વધુ સિરામિક એકમો બંધ થવાની ભીતિ સેવાઈ રહી છે.













