મોરબીના જૂના ઘુટું રોડ પર એક હચમચાવી દેનારી અકસ્માતની ઘટના સામે આવી છે. પુરપાટ ઝડપે જઈ રહેલા એક કન્ટેનરે કાર પર પલટી મારતા કારમાં સવાર પતિ-પત્નીના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે અન્ય બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી છે. ટંકારાનો એક પરિવાર હળવદથી પોતાના ઘરે પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન નવ નાલા પાસે એક કન્ટેનર કાર ઉપર અચાનક પલટી ગયું હતું.


હળવદથી પરત ફરતી વેળા સર્જાયો હતો અકસ્માત

આ ભીષણ અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને તેમાં સવાર મંજુબેન મનસુખભાઈ અને મનસુખભાઈ મનજીભાઈનું ગંભીર ઈજાઓ થવાના કારણે કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ કન્ટેનર ચાલક પોતાનું વાહન મૂકીને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.

મંજુબેન અને તેમના પતિ મનસુખભાઇનું મોત

સ્થાનિકોએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા. મોરબી પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને ફરાર ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. આ અકસ્માતને પગલે ટંકારાના પરિવારમાં માતમ છવાઈ ગયો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: