બનાસકાંઠા અને સૌરાષ્ટ્રના સરહદી વિસ્તારોમાં નશાના વેપારને નેસ્તનાબૂદ કરવા માટે પોલીસે કમર કસી છે. આ વચ્ચે મોરબી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા એક સફળ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. જેમાં હળવદ-મોરબી હાઈવે પરથી નશીલા પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક શખ્સને ઝડપી લેવામાં આવ્યો છે.


બાતમીના આધારે હોટેલમાં રેડ

મોરબી એસઓજીની ટીમને ચોક્કસ અને પાકી બાતમી મળી હતી કે, હળવદ હાઈવે પર ચરાડવા ગામ પાસે આવેલી દ્વારકાધીશ હોટેલમાં નશીલા પદાર્થનું વેચાણ થઈ રહ્યું છે. આ બાતમીના આધારે પોલીસની ટીમ દ્વારા ઓચિંતી રેડ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન હોટેલમાં હાજર રયાભાઈ ઉર્ફે રાયમલ બાંભવા નામનો શખ્સ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. તેની તલાશી લેવામાં આવતા પોલીસને તેની પાસેથી પ્રતિબંધિત મેફેડ્રોન પાવડરનો જથ્થો મળી આવ્યો હતો.

મુદ્દામાલની જપ્તી અને ધરપકડ

પોલીસે આ કાર્યવાહી દરમિયાન આરોપી પાસેથી મેફેડ્રોન પાવડર 9.48 ગ્રામ જેની કિંમત રૂપિયા 28,440 છે. આ સાથે મોબાઈલ ફોન અને રોકડ રકમ પણ જપ્ત કરવામાં આવી છે. પોલીસે કૂલ 37340 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે આરોપી રાયમલ બાંભવાની સ્થળ પર જ ધરપકડ કરી લીધી હતી. આ પાવડર તે ક્યાંથી લાવ્યો હતો, અને કોને વેચવાનો હતો તે દિશામાં હવે તપાસ તેજ કરવામાં આવી છે.

હળવદ પોલીસ મથકે નોંધાયો ગુનો

આ સફળ ઓપરેશન બાદ આરોપીને હળવદ પોલીસ હવાલે કરવામાં આવ્યો છે. હળવદ પોલીસે નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી પોલીસની આ આકરી કાર્યવાહીથી ડ્રગ્સ માફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. ઉલ્લેખનીય છે કે, હાઈવે પર આવેલી હોટેલોમાં નશાનો વેપાર ફૂલ્યોફાલ્યો હોવાની આશંકા વચ્ચે પોલીસે હવે પેટ્રોલિંગ અને તપાસ વધારી દીધી છે.


આ પણ વાંચો -  Rajkot News: ખારચિયા અને મોટાદડવા વચ્ચે સિંહના આંટાફેરા, ખેડૂતોમાં ડરનો માહોલ, જુઓ Video


  • Follow us on: