મોરબી જિલ્લામાં માર્ગ સુરક્ષાના નિયમોના ધજાગરા ઉડાવતા વાહનચાલકોને કારણે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. મોરબી-ઘાટીલા રૂટની એસટી બસ અને એક લોડર વચ્ચે સર્જાયેલા અકસ્માતે મુસાફરોના જીવ અદ્ધર કરી દીધા હતા. જોકે, સદનસીબે આ ભયાનક અકસ્માતમાં કોઈ જાનહાનિ ન થતા તંત્ર અને મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો છે.
ઓવરટેક કરવા જતાં સર્જાયો અકસ્માત
મળતી માહિતી મુજબ, આ ઘટના ગત રોજ બની હતી, જ્યારે મોરબીથી ઘાટીલા તરફ જઈ રહેલી એસટી બસ પોતાના નિર્ધારિત રૂટ પર હતી. આ દરમિયાન માર્ગ પર સામેથી એક લોડર ચાલક બેફામ રીતે રોંગ સાઈડમાં આવી રહ્યો હતો. બસ ચાલકે અન્ય વાહનને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો તે જ સમયે રોંગ સાઈડમાં આવી રહેલા લોડર સાથે બસની ટક્કર થઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે આસપાસના લોકો પણ ફફડી ઉઠ્યા હતા.
CCTV ફૂટેજમાં કેદ થઈ ઘટના
આ સમગ્ર અકસ્માતની ઘટનાના CCTV ફૂટેજ હવે સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, કઈ રીતે લોડર ચાલકની બેદરકારીને કારણે આ અકસ્માત સર્જાયો હતો. ફૂટેજ સામે આવ્યા બાદ લોકોમાં રોંગ સાઈડ વાહન ચલાવતા લોકો સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
મોટી જાનહાનિ ટળી
અકસ્માત સમયે એસટી બસમાં મુસાફરો સવાર હતા, પરંતુ સદનસીબે બસની ઝડપ નિયંત્રણમાં હોવાથી કોઈ મોટી દુર્ઘટના ઘટી નથી. તમામ મુસાફરો સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવને પગલે હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી, જોકે બાદમાં વાહનવ્યવહાર પૂર્વવત કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા હવે આ સીસીટીવી ફૂટેજના આધારે આગળની તપાસ હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે.
આ પણ વાંચો - Rajkot News: ખારચિયા અને મોટાદડવા વચ્ચે સિંહના આંટાફેરા, ખેડૂતોમાં ડરનો માહોલ, જુઓ Video