મોરબી જિલ્લાના વાંકાનેરમાં રખડતા ઢોરોનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે, ત્યારે વાંકાનેરના મિલ પ્લોટ ફાટક વિસ્તારમાં બે આખલાઓ વચ્ચે ખેલાયેલા ભયાનક જંગના દ્રશ્યો સામે આવ્યા છે. આ 'આખલા યુદ્ધ'માં એક ગરીબ લારીધારકનો ધંધો ચોપટ થઈ ગયો હતો, પરંતુ બે વ્યક્તિઓની સમયસૂચકતા અને બહાદુરીને કારણે એક મોટી અગ્નિકાંડની ઘટના ટળી છે.


ભર બજારમાં આખલાઓનું તાંડવ

વાંકાનેરનો મિલ પ્લોટ ફાટક વિસ્તાર કે જે હંમેશા લોકોની અવરજવરથી ધમધમતો હોય છે, ત્યાં અચાનક બે આખલાઓ એકબીજા સાથે બાખડ્યા હતા. આખલાઓ એટલા હિંસક બન્યા હતા કે, તેમણે રસ્તા પર ઉભેલી એક ગાંઠિયાની લારીને અડફેટમાં લીધી હતી. આખલાઓની ટક્કરથી લારીનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને સામાન વેરવિખેર થઈ ગયો હતો.

મોટી હોનારત ટળી

ઘટના સમયે લારી પર ગાંઠિયા તળવા માટે તેલનો ચૂલો ફૂલ તાપે ચાલુ હતો. જ્યારે આખલાઓ લારી સાથે અથડાયા, ત્યારે ગરમ તેલ ઉડવાની અને ગેસ સિલિન્ડર ફાટવાની પૂરેપૂરી શક્યતા હતી. જોકે, આ કપરી પરિસ્થિતિમાં ત્યાં હાજર એક મહિલાએ જીવના જોખમે તાત્કાલિક ગેસ સિલિન્ડરનું રેગ્યુલેટર બંધ કરી દીધું હતું, જ્યારે લારીધારકે તુરંત ચૂલો ઓલવી નાખ્યો હતો. આ બંનેની સમયસૂચકતાને કારણે ગેસ ગળતર કે આગ જેવી મોટી જાનહાનિ થતા અટકી હતી.

CCTV વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, આખલાઓ કેવી રીતે રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને લારીને નિશાન બનાવે છે અને કેવી રીતે બહાદુર મહિલા અકસ્માત રોકવા દોડી આવે છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

આ ઘટનાને પગલે સ્થાનિક વેપારીઓ અને રાહદારીઓમાં નગરપાલિકા સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. વારંવાર રજૂઆતો છતાં રખડતા ઢોરોનો ત્રાસ ઓછો થતો નથી, જેના કારણે નિર્દોષ લોકોના જીવ જોખમમાં મુકાય છે અને ગરીબ લારીધારકોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવે છે.


આ પણ વાંચો - Valsad News: જનપ્રતિનિધિ થયા જનતાના દુઃખમાં સામેલ, સાંસદ ધવલ પટેલે ડાભેલમાં મૃતક મજૂરને આપી કાંધ


  • Follow us on: