યાત્રાધામ પાલીતાણામાં આજે આગની એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ભાવનગર શહેરના તળેટી વિસ્તારમાં આવેલા મંડપ સર્વિસના એક ગોડાઉનમાં અચાનક વિકરાળ આગ ફાટી નીકળતા સમગ્ર પંથકમાં ભય અને અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. આગ લાગવાની જાણ થતા જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.
તળેટી વિસ્તાર ધુમાડાથી ઘેરાયો
પાલીતાણાના ગિરિરાજની તળેટી જેવા ગીચ અને મહત્વના વિસ્તારમાં મંડપના સામાન રાખવાના ગોડાઉનમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હતી. મંડપના સામાનમાં કાપડ, લાકડું અને પ્લાસ્ટિક જેવી જ્વલનશીલ વસ્તુઓ હોવાને કારણે આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગ એટલી વિકરાળ હતી કે તેના કાળા ડિબાંગ ધુમાડાના ગોટેગોટા દૂરે દૂર આકાશમાં ઉડતા નજરે પડતા હતા, જેને જોઈ સ્થાનિકોમાં ફાળ પડી હતી.
ફાયર ફાઈટર્સની ભારે જહેમત
ઘટનાની જાણ થતા જ પાલીતાણા નગરપાલિકાનો ફાયર વિભાગ તુરંત હરકતમાં આવ્યું હતું. ફાયર ફાઈટર્સની ટીમે ઘટનાસ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગને વધુ પ્રસરતી અટકાવી હતી. કલાકોની ભારે જહેમત બાદ અંતે આગ પર કાબૂ મેળવી શકાયો હતો. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી, જે મોટી રાહતની વાત છે.
મોટું આર્થિક નુકસાન
આગના આ તાંડવમાં ગોડાઉનમાં રાખેલો મંડપનો કિંમતી સામાન, પડદા, વાસણો અને અન્ય સામગ્રી બળીને ખાખ થઈ ગઈ છે. સંચાલકોને લાખો રૂપિયાનું આર્થિક નુકસાન થયું હોવાનો અંદાજ છે. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, પરંતુ શોર્ટ સર્કિટને કારણે આ દુર્ઘટના બની હોવાની આશંકા સેવાઈ રહી છે. તળેટી વિસ્તારમાં લાગેલી આ આગને પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા, જોકે ફાયર વિભાગની સમયસૂચકતાને કારણે મોટી હોનારત ટળી છે.
આ પણ વાંચો - Valsad News: જનપ્રતિનિધિ થયા જનતાના દુઃખમાં સામેલ, સાંસદ ધવલ પટેલે ડાભેલમાં મૃતક મજૂરને આપી કાંધ