સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ પંથકમાં ખનીજ માફિયાઓ દ્વારા આચરવામાં આવતું એક ચોંકાવનારું અને વિચિત્ર કૌભાંડ વહીવટી તંત્રએ ઝડપી લીધું છે. થાનગઢના ખાખરાળી ગામે મૃતકોના નામે કોલસાની લીઝ ચલાવી રોયલ્ટી ચોરી કરવાનું મોટું કૌભાંડ તપાસ દરમિયાન બહાર આવ્યું છે.
નાયબ કલેક્ટરનું સરપ્રાઈઝ ચેકિંગ
ચોટીલાના નાયબ કલેક્ટરને મળેલી બાતમીના આધારે થાનગઢ તાલુકાના ખાખરાળી વિસ્તારમાં આકસ્મિક રેડ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન ખાખરાળીની ત્રણ અલગ-અલગ કોલસાની લીઝ પર વહીવટી તંત્રની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. આ ઓચિંતા ચેકિંગને પગલે ખનીજ ચોરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
મૃતકો પણ 'ખોદકામ' કરતા રહ્યા!
તપાસ દરમિયાન સૌથી ચોંકાવનારો ખુલાસો એ થયો કે, જે ત્રણ લીઝની તપાસ કરવામાં આવી તેમાંથી બે લીઝ ધારકોનું વર્ષ 2014માં જ અવસાન થઈ ચૂક્યું છે. આશ્ચર્યની વાત એ છે કે, લીઝ ધારકોના મૃત્યુના 10 વર્ષ બાદ પણ તેમના નામે સરકારી સિસ્ટમમાંથી રોયલ્ટી પાસ ઈસ્યુ કરવામાં આવતા હતા. કાયદાની આંખમાં ધૂળ નાખીને ભૂમાફિયાઓ મૃતકોના નામે કોલસાનું કાળું નાણું ભેગું કરી રહ્યા હતા.
35 લાખ રૂપિ્યાથી વધુનો મુદ્દામાલ સીઝ
નાયબ કલેક્ટરની ટીમે સ્થળ પર જ કડક કાર્યવાહી કરતા ત્રણ લીઝ પરથી કુલ રૂપિયા 35.60 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સીઝ કરવામાં આવેલી સામગ્રીમાં 2 મોટા ક્રશર પ્લાન્ટ અને ચારણા, 2 વે-બ્રિજ, 1 બંધ હાલતમાં ટ્રેક્ટર અને ઓફિસ કેબિનનો સમાવેશ થાય છે.
તંત્ર દ્વારા તપાસનો ધમધમાટ
મૃતકોના નામે રોયલ્ટી પાસ કેવી રીતે ઇસ્યુ થતા હતા અને આમાં કયા સરકારી બાબુઓની મિલીભગત છે, તે દિશામાં હવે તપાસ તેજ કરવામાં આવી છે. આ કૌભાંડ પકડાયા બાદ થાનગઢના ખાણ-ખનીજ ક્ષેત્રે મોટા માથાઓના નામ બહાર આવવાની શક્યતા સેવાઈ રહી છે.
આ પણ વાંચો - Valsad News: જનપ્રતિનિધિ થયા જનતાના દુઃખમાં સામેલ, સાંસદ ધવલ પટેલે ડાભેલમાં મૃતક મજૂરને આપી કાંધ