મોરબી જિલ્લાના માળીયા મીયાણા તાલુકામાં ડીઝલ ચોરીના વધતા જતા દૂષણ વચ્ચે પોલીસે એક મોટી સફળતા હાંસલ કરી છે. ફતેપર ગામની સીમમાં ડીઝલ ભરેલા ટેન્કરમાંથી ચોરી થાય તે પૂર્વે જ પોલીસે દરોડો પાડીને લાખો રૂપિયાની મત્તા સાથે ટેન્કરના ચાલકને દબોચી લીધો છે.


પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ ટેન્કર નજરે ચડ્યું

માળીયા મીયાણા પોલીસની ટીમ જ્યારે વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી, ત્યારે ફતેપર ગામના ખરાવાડ વિસ્તારમાં GJ 3 BY 6601 નંબરનું એક ટેન્કર અવાવરૂ જગ્યાએ શંકાસ્પદ હાલતમાં ઊભેલું જોવા મળ્યું હતું. પોલીસે શંકાના આધારે તપાસ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો.

સીલ તોડીને ચોરી કરવાની હતી પેરવી

પોલીસ જ્યારે ટેન્કરની નજીક પહોંચી ત્યારે જોવા મળ્યું કે ટેન્કરમાં કંપની દ્વારા લગાવવામાં આવેલું સીલ તોડેલી હાલતમાં હતું. સ્થળ પરથી 20 લિટરનો એક ખાલી પ્લાસ્ટિકનો કેરબો પણ મળી આવ્યો હતો, જે સ્પષ્ટ કરે છે કે ડ્રાઈવર ટેન્કરમાંથી ડીઝલ કાઢવાની તૈયારીમાં જ હતો. પોલીસ સમયસર પહોંચી જતા 24,000 લિટર ડીઝલનો જથ્થો ચોરાતા બચી ગયો હતો.

પોલીસે આરોપીની ધરપકડ કરી

પોલીસે સ્થળ પરથી ટેન્કરના ડ્રાઈવર દિલીપભાઈ વરજાંગભાઈ વિરડા (ઉંમર 39, રહે. ફતેપર)ની અટકાયત કરી છે. શરૂઆતમાં ડ્રાઈવરે પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કડક પૂછપરછમાં તે ભાંગી પડ્યો હતો. પોલીસે તેની સામે ગુનો નોંધીને આ ચોરીમાં અન્ય કોઈ સંડોવાયેલું છે કે કેમ તેની તપાસ શરૂ કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: