મોરબી જિલ્લાના હળવદ તાલુકાના સાપકડા ગામેથી ખેડૂતોના આક્રોશ અને પોલીસ સાથેના ઘર્ષણના મોટા સમાચાર સામે આવ્યા છે. ગામમાંથી પસાર થતી હાઇટેન્શન વીજ લાઇનના થાંભલા નાખવા બાબતે યોગ્ય વળતરની માંગ સાથે છેલ્લા ઘણા દિવસોથી ખેડૂતો આંદોલન ચલાવી રહ્યા છે. આ દરમિયાન આજે કંપનીના કર્મચારીઓ અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચતા મામલો ગરમાયો હતો અને વાતાવરણ તંગ બની ગયું હતું.


યોગ્ય વળતરની માંગ સાથે ભારે વિરોધ

હળવદથી વટામણ સુધી 765 કેવી (KV)ની મસમોટી વીજ લાઇન પસાર થઈ રહી છે, જે અંતર્ગત સાપકડા ગામના ખેડૂતોની જમીનમાં વીજપોલ ઊભા કરવાની કામગીરી ચાલી રહી છે. પોતાની કિંમતી જમીન ગુમાવનારા ખેડૂતો યોગ્ય અને પૂરતા વળતરની માંગ સાથે લાંબા સમયથી શાંતિપૂર્ણ વિરોધ કરી રહ્યા હતા. જોકે, વહીવટી તંત્ર દ્વારા તેમની માંગણીઓ ન સંતોષાતા આજે એક ખેડૂતે અર્ધનગ્ન હાલતમાં આવીને કંપનીની કામગીરી સામે જોરદાર સૂત્રોચ્ચાર કરી આક્રોશ વ્યક્ત કર્યો હતો.

પોલીસ દ્વારા અટકાયત કરાતા ખેડૂત બેભાન

વીજ કંપનીની કામગીરીને અટકાવવા મથી રહેલા ખેડૂતોને કાબૂમાં લેવા માટે હળવદ પોલીસ સ્ટાફ તાત્કાલિક મેદાનમાં આવ્યો હતો. પોલીસે વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોની અટકાયત (ડિટેન) કરવાની પ્રક્રિયા હાથ ધરી હતી. આ ખેંચતાણ અને ઘર્ષણ દરમિયાન અર્ધનગ્ન હાલતમાં વિરોધ કરી રહેલા ખેડૂતની તબિયત અચાનક લથડી ગઈ હતી અને તેઓ ઘટનાસ્થળે જ ઢળી પડ્યા હતા. તબિયત વધુ બગડતા ખેડૂતને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. 

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: