મોરબીના નાની વાવડી ગામ પાસે સામાન્ય જનતામાં ભયનો માહોલ ઉભો કરનાર બે રીઢા ગુનેગારોને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું છે. ગત રાત્રે એક મહિલા વેપારી સાથે પૈસાની ઉઘરાણી બાબતે ઉગ્ર માથાકૂટ કરી આતંક મચાવનાર મહેશ બોરીચા અને જગદીશ સવશેતાને પોલીસે ઝડપી પાડ્યા હતા. આ શખ્સોનો ગુનાહિત ઇતિહાસ જોતા, સમાજમાં દાખલો બેસે તે હેતુથી પોલીસે જે વિસ્તારમાં તેમણે આતંક મચાવ્યો હતો, ત્યાં જ તેમનો જાહેરમાં વરઘોડો કાઢ્યો હતો.
પોલીસે આરોપીઓને પગપાળા ફેરવ્યા
પોલીસ કાર્યવાહી દરમિયાન બંને આરોપીઓ લંગડાતી હાલતમાં જોવા મળ્યા હતા. પોલીસે તેમને તે જ વિસ્તારમાં પગપાળા ફેરવ્યા હતા, જ્યાં તેમણે મહિલા વેપારીને ધમકાવી હતી. આ દ્રશ્ય જોઈને સ્થાનિક રહીશોમાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધ્યો હતો. આરોપીઓ રસ્તા પર બે હાથ જોડીને લોકોની માફી માંગતા અને ફરી આવું કૃત્ય ન કરવાની ખાતરી આપતા નજરે પડ્યા હતા. આ પ્રકારની કાર્યવાહીથી ગુનેગારોમાં પોલીસનો ખોફ અને સામાન્ય જનતામાં સુરક્ષાની લાગણી જન્મી છે.













