મોરબી નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 9ના ભાજપના ઉમેદવાર હિરેન કરોતરા સામે સામાજિક વિરોધ ઉઠતા ભાજપ માટે મુશ્કેલ સ્થિતિ સર્જાઈ છે. વિવાદની વિગત એવી છે કે ઉમેદવાર હિરેન કરોતરા પાટીદાર સમાજની દીકરીને છૂટાછેડા આપતા ન હોવાથી લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આ સામાજિક વિવાદ એટલો વકર્યો છે કે ચૂંટણી કાર્યાલય પર લગાવવામાં આવેલા બેનરોમાં ચારના બદલે માત્ર ત્રણ જ ઉમેદવારોના નામ અને ફોટા લગાવવાની ફરજ પડી છે.
પાટીદાર સમાજની દીકરીને ન્યાય અપાવવા લોક આક્રોશ
હિરેન કરોતરા સામેના આક્ષેપોને પગલે પાટીદાર સમાજમાં ભારે નારાજગી ફેલાઈ છે. સ્થાનિક લોકો અને સમાજના અગ્રણીઓનો આક્ષેપ છે કે પારિવારિક પ્રશ્નોમાં ઉમેદવારનું વલણ યોગ્ય નથી, જેને કારણે દીકરીને અન્યાય થઈ રહ્યો છે. આ આક્રોશને જોતા ચૂંટણી પ્રચારના પ્રારંભે જ ભાજપના અન્ય ઉમેદવારો અને સંગઠન માટે ચિંતાજનક પરિસ્થિતિ ઉભી થઈ છે. લોકો દ્વારા વિવાદિત ઉમેદવારનો બહિષ્કાર કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.













