અરવલ્લી જિલ્લાના શામળાજી પાસે આવેલા અણસોલ ચેકપોસ્ટ નજીક આજે બે મોટરસાયકલ વચ્ચે સર્જાયેલા ભયાનક અકસ્માતમાં બે યુવકોએ જીવ ગુમાવ્યા છે. હોળી-ધૂળેટીના પવિત્ર તહેવાર નિમિત્તે પોતાના વતન જઈ રહેલા યુવકોના પરિવારમાં આ દુર્ઘટનાને પગલે શોકનું મોજું ફરી વળ્યું છે. નેશનલ હાઈવે પર આવેલી અણસોલ ચેકપોસ્ટ પાસેના સર્વિસ રોડ પર બે બાઇક સામસામે પૂરપાટ ઝડપે અથડાતા આ અકસ્માત સર્જાયો હતો.


હોળીનો તહેવાર હોવાથી યુવકો વતનમાં જતા હતા

ટક્કર એટલી જોરદાર હતી કે બંને બાઇક પર સવાર યુવકો રોડ પર ફંગોળાયા હતા. આ દુર્ઘટનામાં બે યુવકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતા, જ્યારે અન્ય ચાર યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોની હાલત નાજુક હોવાથી મૃત્યુઆંક વધવાની પણ ભીતિ સેવાઈ રહી છે. આ યુવકો મજૂરી કે અન્ય કામકાજ અર્થે બહારગામ રહેતા હતા અને હોળીનો તહેવાર મનાવવા ઉત્સાહભેર પોતાના વતન પરત ફરી રહ્યા હતા.

અકસ્માતમાં બાઇકસવાર 2ના મોત, ચાર ઘાયલ

પરંતુ ઘર આંગણે પહોંચે તે પહેલા જ કાળનો પંજો ફરી વળતા તહેવારની ખુશીઓ માતમમાં ફેરવાઈ ગઈ હતી. અકસ્માતની જાણ થતા જ શામળાજી પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. સ્થાનિકોની મદદથી ઇજાગ્રસ્તોને 108 મારફતે સારવાર અર્થે શામળાજીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હાઈવે પર તહેવારોના સમયે વધતા ટ્રાફિક અને સ્પીડને કારણે સર્જાતા અકસ્માતોએ ફરી એકવાર માર્ગ સલામતી સામે સવાલો ઉભા કર્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: