ખેડા જિલ્લાના નડિયાદમાં આવેલી જાણીતી દિનશા પટેલ નર્સિંગ કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા એક આશાસ્પદ વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. મંજીપુરા વિસ્તારમાં રહેતા જય વિજયકુમાર પાટીલ નામના વિદ્યાર્થીએ પોતાના ઘરે જ અંતિમ પગલું ભર્યું હતું. આત્મહત્યા પહેલા વિદ્યાર્થીએ લખેલી હૃદયદ્રાવક સ્યુસાઈડ નોટમાં કોલેજ તંત્ર અને શિક્ષકો સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે.


"સોરી મમ્મી, હું કંટાળી ગયો છું"

જય પાટીલે આત્મહત્યા પૂર્વે લખેલી સ્યુસાઈડ નોટમાં પોતાની વેદના ઠાલવતા લખ્યું કે, સોરી મમ્મી, હું કંટાળી ગયો છું. મેડમ પુરાવા વગર મારા પર ખોટા આરોપો લગાવી રહ્યા છે. વિદ્યાર્થીએ આત્મહત્યા ચીઠ્ઠીમાં સ્પષ્ટતા કરી હતી કે, તે કોઈના શરીરની મજાક ઉડાવતો નથી અને તે નિર્દોષ હોવા છતાં તેને નિશાન બનાવી બદનામ કરવામાં આવી રહ્યો છે. બદનામીના ડર અને શિક્ષકોના વર્તનથી કંટાળીને તેણે આ પગલું ભર્યું હોવાનું જણાવ્યું હતું.

પિતાનો આક્ષેપ: "દીકરાને માનસિક રીતે તોડી નંખાયો"

મૃતક વિદ્યાર્થીના પિતા વિજયભાઈએ મીડિયા સમક્ષ આક્રોશ ઠાલવતા જણાવ્યું કે, કોલેજ સત્તાધીશોએ થોડા દિવસ અગાઉ તેમને બોલાવી જયને લિવિંગ સર્ટિફિકેટ આપી દેવાની ધમકી આપી હતી. શિક્ષકોએ ભેગા મળીને તેમના દીકરાને માનસિક રીતે એકલો પાડી દીધો હતો, જેના કારણે જય છેલ્લા ત્રણ દિવસથી ભારે ડિપ્રેશનમાં હતો. પિતાએ આત્મહત્યા માટે મજબૂર કરનાર જવાબદારો સામે કડક કાર્યવાહીની માગ કરી છે.




કોલેજ તંત્રની સ્પષ્ટતા અને પોલીસ તપાસ

આ મામલે દિનશા પટેલ નર્સિંગ કોલેજના પ્રિન્સિપાલ વિરેન્દ્ર જૈને જણાવ્યું કે, આ ઘટના અત્યંત દુખદ છે. કોલેજ દ્વારા તપાસ માટે એક સમિતિની રચના કરવામાં આવી છે, જે બે દિવસમાં રિપોર્ટ આપશે. બીજી તરફ, નડિયાદ પોલીસ દ્વારા સ્યુસાઈડ નોટ કબ્જે કરવામાં આવી છે અને વિદ્યાર્થીની આત્મહત્યા પાછળ જવાબદાર કારણોની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.


આ પણ વાંચો - Kheda પોલીસ તંત્રમાં મોટો ફેરફાર, 4 PI ની એકસાથે આંતરિક બદલીથી ખળભળાટ


  • Follow us on: